મોદીએ પાક.ને શાંતિની રોટલો ખાવા કહ્યું એમાં તેને મરચાં લાગ્યા

ભારત અને પાકિસ્તાન વચ્ચે ભલે યુદ્ધવિરામ થઈ ગયો હોય પણ બંને દેશના નેતાઓ વચ્ચેનું શાબ્દિક યુદ્ધ હજુ બંધ થયું નથી. ભારતે યુદ્ધ ટાળવા માટે યુદ્ધવિરામ…

ભારત અને પાકિસ્તાન વચ્ચે ભલે યુદ્ધવિરામ થઈ ગયો હોય પણ બંને દેશના નેતાઓ વચ્ચેનું શાબ્દિક યુદ્ધ હજુ બંધ થયું નથી. ભારતે યુદ્ધ ટાળવા માટે યુદ્ધવિરામ સ્વીકારી લીધો પણ પોતાના આક્રમક તેવર છોડયા નથી. આર્મી ચીફથી માંડીને વડા પ્રધાન નરેન્દ્ર મોદી સુધીના દેશના તમામ નેતા પાકિસ્તાનને સતત ચીમકીઓ આપ્યા જ કરે છે.

મોદી હમણાં ગુજરાત આવેલા ને એક રેલી દરમિયાન તેમણે પાકિસ્તાનને સીધી ચેતવણી આપતાં કહ્યું હતું કે, ભારત પર ખરાબ નજર નાખશે તેને કોઈ પણ કિંમતે છોડવામાં નહીં આવે અને તેની કિંમત તેમણે ચૂકવવી જ પડશે. મોદીએ પાકિસ્તાનને ચેતવણી આપી હતી કે સુખેથી જીવો અને શાંતિથી રોટી ખાઓ નહીંતર પછી અમારી ગોળી ખાવી પડશે.

મોદીના નિવેદનથી પાકિસ્તાનને મરચાં લાગી ગયાં છે અને પાકિસ્તાને સત્તાવાર રીતે નરેન્દ્ર મોદીના નિવેદન સામે નારાજગી વ્યક્ત કરી છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે સત્તાવાર નિવેદનમાં કહ્યું છે કે, નરેન્દ્ર મોદીની હિંસા અંગેની વાત અશોભનિય છે અને ન્યૂક્લિયર પાવર ધરાવતા દેશના નેતાને આ શોભતું નથી. પાકિસ્તાનના કહેવા પ્રમાણે, મોદીનું નિવેદન માત્ર નફરત ફેલાવતું નથી પણ દક્ષિણ એશિયાની પ્રાદેશિક શાંતિ માટે પણ જોખમી છે. અમે શાંતિ ઇચ્છીએ છીએ પણ અમને ધમકી આપવામાં આવશે તો અમે પણ એનો વળતો જવાબ આપીશું.

પાકિસ્તાનનું નિવેદન અને તેની વાતો તેના દોગલાપણાના નાદાર નમૂના છે. પાકિસ્તાનના ચાવવાના અને બતાવવાના સાવ જુદા જુદા છે તેનો આ નિવેદન મોટો પુરાવો છે. પાકિસ્તાન ભારતમાં આતંકવાદ ફેલાવીને લોકોની લાશો ઢાળે તેમાં તેને કશું ખોટું લાગતું નથી પણ મોદી ગોળી મારવાની વાત કરે તેમાં તો પાકિસ્તાન સૂફિયાણી વાતો પર ઊતરી આવ્યું છે. પાકિસ્તાને ભારતને સલાહ આપવાના બદલે પોતાનું ઘર સાચવવું જોઈએ અને પોતાના દેશમાં લઘુમતીઓને સાચવવી જોઈએ. આ દેશની લઘુમતી કે બીજા કોઈની પણ તેણે ચિંતા કરવાની જરૂૂર નથી કેમ કે ભારત પોતાના નાગરિકોની અને સરહદો બંનેની સુરક્ષા કરવા સક્ષમ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *