નીટ પેપર લીક થયા બાદ ઉગ્ર દેખાવો કરનારા કોકરોચ જનતા પાર્ટી અને વિપક્ષ હજુ આક્રમક વલણ અપનાવતા જઈ રહ્યા છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પેપર લીકની ઘટનાઓ સામે સરકારના આકરા વલણની જાહેરાત કરી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે દેશના યુવાનોનું હિત અને તેમનું ભવિષ્ય સરકાર માટે સર્વોચ્ચ પ્રાથમિકતા છે. યુવાનોના ભવિષ્ય સાથે ખિલવાડ કરનારા કોઈપણ દોષિતને બક્ષવામાં આવશે નહીં.
પેપર લીકના તમામ કેસોના ઝડપી નિકાલ અને દોષિતોને વહેલામાં વહેલી તકે કઠોરમાં કઠોર સજા સુનિશ્ચિત કરવા માટે સરકારે ’ફાસ્ટ ટ્રેક કોર્ટ’ની રચના કરવાનો મહત્વનો નિર્ણય લીધો છે. આ સંદર્ભે સંબંધિત વિભાગો અને અધિકારીઓને જરૂૂરી તમામ કાર્યવાહી ત્વરિત ધોરણે હાથ ધરવા માટે આદેશ આપી દેવામાં આવ્યા છે.
વડાપ્રધાને ઉમેર્યું હતું કે, વિદ્યાર્થીઓના હિતોને સુરક્ષિત કરવા માટે સરકાર દ્વારા સતત લેવામાં આવી રહેલા નિર્ણયોની શ્રેણીમાં આ એક અત્યંત મહત્ત્વપૂર્ણ અને સખત પગલું છે, જેનાથી ભવિષ્યમાં આવી ગડબડો અટકાવી શકાશે. દરમિયાન મોદીની આ જાહેરાતના કલાકોમાં કોક્રોચ જનતા પાર્ટીએ એકસ પર પોસ્ટ મુકી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગણીનો પુનરોચ્ચાર કર્યો હતો. બીજી તરફ, વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાનની પોસ્ટ સામે પ્રતિક્રીયા આપતા જણાવ્યું હતું કે તમે યુવાનોના ભવિષ્યને નુકસાન પહોંચાડયું છે. વધુમાં તેમણે મોદી પર શિક્ષણ પ્રણાલીના વિનાશને પ્રોત્સાહન આપવાનો અને જવાબદાર લોકોને રક્ષણ આપવાનો આરોપ મુકયો છે.
