આજે મહારાષ્ટ્ર બંધ : કોંગ્રેસ, મજૂર સંઘોનો પણ ટેકો

ન્યુદિલ્હીના જંતરમંતર ખાતે ચાલી રહેલ વિદ્યાર્થી આંદોલનના સપોર્ટમાં અનેક રાજકીય પક્ષોએ ઝંપલાવ્યું છે. વિદ્યાર્થીઓ પર જે બર્બરતાથી લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો તે કાર્યવાહીના વિરોધમાં વંચિત…

ન્યુદિલ્હીના જંતરમંતર ખાતે ચાલી રહેલ વિદ્યાર્થી આંદોલનના સપોર્ટમાં અનેક રાજકીય પક્ષોએ ઝંપલાવ્યું છે. વિદ્યાર્થીઓ પર જે બર્બરતાથી લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો તે કાર્યવાહીના વિરોધમાં વંચિત બહુજન આઘાડી દ્વારા આજે ‘મહારાષ્ટ્ર બંધ‘નું આહ્વાન કરવામાં આવ્યું છે. વડા પ્રકાશ આંબેડકરે પ્રેસ-કોન્ફરન્સમાં મહારાષ્ટ્ર બંધ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે દિલ્હીમાં આંદોલન પર ઊતરેલા વિદ્યાર્થીઓ પર અમાનવીય અત્યાચાર ગુજારવામાં આવ્યા છે, જેનાથી દેશભરમાં ભારે રોષ છે. તેમણે મહારાષ્ટ્ર બંધને સફળ બનાવવા માટે મજૂર યુનિયનો, બેસ્ટ યુનિયન, બીએમસીના યુનિયનો અને બીજાં શ્રમિક સંગઠનો સાથે ચર્ચા હાથ ધરી છે.

આજે મહારાષ્ટ્ર બંધના સમર્થનમાં કેટલાક વિસ્તારોમાં વેપારીઓ અને દુકાનદારો સ્વેચ્છાએ બજારો બંધ રાખી શકે છે. પરંતુ મેડિકલ, દૂધ અને હોસ્પિટલ જેવી ઇમરજન્સી સેવાઓ સંપૂર્ણપણે ચાલુ રહેશે. જો કે, બંધને ટેકો મળે છે તેવા વિસ્તારોમાં કેટલીક દુકાનો, બજારો અને વ્યાપારી સંસ્થાઓ સ્વૈચ્છિક રીતે બંધ રહી શકે છે. ટ્રાવેલ કરવાની યોજના બનાવતા લોકોને સ્થાનિક ટ્રાફિક અપડેટ્સ તપાસવાની અને પોલીસ અને જિલ્લા સત્તાવાળાઓ દ્વારા જારી કરવામાં આવેલી સલાહોનું પાલન કરવાની સલાહ છે.

જો જાહેર પરિવહનની વાત કરીએ તો તે પણ નોર્મલ જ રહેવાની શક્યતા છે. મુંબઈનું ઉપનગરીય રેલ્વે નેટવર્ક, મેટ્રો સેવાઓ, રાજ્ય સંચાલિત બસો અને હવાઇમથકો રાબેતા મુજબ જ ચાલુ રહેશે.જોકે, વિરોધ પ્રદર્શનો અને રસ્તા રોકો આંદોલન થાય તો વાહન વ્યવહાર અને વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
પ્રકાશ આંબેડકરે જણાવ્યું હતું કે ડાબેરી રાજકીય પક્ષો, શૈક્ષણિક સંસ્થાઓ અને કોચિંગ સેન્ટરોએ આ બંધને સમર્થન આપ્યું છે. ભાજપ સિવાયના તમામ રાજકીય પક્ષોને બંધમાં જોડાવા અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત મહારાષ્ટ્ર પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ હર્ષવર્ધન સપકાળે પણ જાહેરાત કરી છે કે કોંગ્રેસ પક્ષ આ બંધને સંપૂર્ણ સમર્થન આપશે. દરમિયાન મુંબઈમાં છેલ્લા પાંચ દિવસમાં વગર પરવાનગીએ દેખાવો કરવા બદલ 12 એફઆઈઆરમાં 400 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

વિરોધ પ્રદર્શન જોઈ રહેલી અભિનેત્રી આયેશા ખાનની પણ અટકાયત

જાણીતી અભિનેત્રી આયેશા ખાનને મુંબઈ પોલીસે કસ્ટડીમાં લીધી છે. અભિનેત્રીનું કહેવું છે કે, વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન દરમિયાન તેના ભાઈ અને કેટલાક પુરુષ મિત્રોની પોલીસે પહેલાથી જ અટકાયત કરી લીધી હતી અને તે ફક્ત ત્યાં ઊભી હતી. અભિનેત્રીએ પોલીસ વાનની અંદરથી જ પોતાનો વીડિયો બનાવ્યો અને લોકોને સવાલ પૂછ્યો છે કે, આખરે મારી ભૂલ શું છે? આયેશાએ તાજેતરમાં ઘણા વીડિયો શેર કર્યા છે. આ વીડિયોમાં અભિનેત્રીનું દર્દ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. શેર કરેલા વીડિયોમાં આયેશાએ કહ્યું કે, ’મારા હાથ હજુ ધ્રુજી રહ્યા છે. હું સમજી જ ન શકી કે મારી સાથે શું થયું. મને માત્ર રસ્તા પર ઊભા રહેવા બદલ પોલીસે પોતાની વાનમાં બેસાડી દીધી. મેં કંઈ કહ્યું નહીં, કંઈ કર્યું નહીં, કોઈ વિરોધ પ્રદર્શન કર્યું નહીં. હું ફક્ત ત્યાં ઊભી હતી, છતાં મારી અટકાયત કરવામાં આવી.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *