શાપર-વેરાવળ અંડરબ્રિજ અને શાસ્ત્રીમેદાનમાં ગંદકીના પ્રશ્ર્નો ઉઠાવ્યો
રાજકોટ ઇન્ચાર્જ જિલ્લા ક્લેક્ટર અનંદુ સુરેશ ગોવિંદની અધ્યક્ષતામાં આજે મે – 2026ના માસની જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં ઇન્ચાર્જ કલેકટરે જન પ્રતિનિધિઓ દ્વારા રજૂ થયેલા પ્રશ્નોનો તાકીદે નિકાલ લાવવા અને નક્કર આયોજન સાથે જરૂૂરી આગળની કાર્યવાહી હાથ ધરવા જણાવ્યું હતું.
આ બેઠકમાં ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા અને દર્શિતાબહેન શાહ દ્વારા શાપર – વેરાવળ ચોકડી પર બ્રિજ નીચે ગંદકી, ડોગ બાઈટના કેસ, રાજકોટ શહેરમાં આવેલા શાસ્ત્રીમેદાનની અંદર બિલ્ડીંગ વેસ્ટ મટીરીયલ, મેદાનની બહાર ફૂટપાથ પર દબાણ, નવી રજિસ્ટ્રાર કચેરી બનાવવાની કામગીરી, અનાજ માટે એ.ટી.એમની કામગીરી, પરશુરામ મંદિર પાસે વન કવચ યોજનાની અમલવારી, AIIMs ખાતે બસ સ્ટેશન બનાવવાની કામગીરી અંગેના પ્રશ્નો રજૂ કર્યા હતા.
ભારત સરકાર દ્વારા આયોજિત ’જનગણના-2027’ અંતર્ગત રાજકોટ જિલ્લો અને મહાનગરપાલિકા વિસ્તારમાં વસ્તી ગણતરીની પ્રારંભિક કામગીરીના સુચારુ આયોજન અંગે જિલ્લા સંકલનની બેઠકમાં માહિતી આપવામાં આવી હતી. આ જનગણનાની સમગ્ર પ્રક્રિયા બે તબક્કામાં યોજાનાર છે, જેમાં પ્રથમ તબક્કો ’મકાન સૂચીકરણ અને મકાનોની ગણતરી’ આગામી 1 જૂન, 2026 થી 30 જૂન, 2026 દરમિયાન યોજાશે. જ્યારે બીજો તબક્કો ફેબ્રુઆરી, 2027થી હાથ ધરાશે. તેમજ આવતીકાલ તા. 17 મે થી 31 મે, 2026 સુધી ’સેલ્ફ-એન્યુમરેશન’ માટે ઓનલાઈન વિન્ડો ખુલ્લી રહેશે. નાગરિકો સત્તાવાર પોર્ટલ se.census.gov.in પર જઈને પોતાના મોબાઈલ નંબર દ્વારા નોંધણી કરાવી શકશે.
બેઠકમાં ઈન્ચાર્જ જિલ્લા કલેક્ટરે જન સેવા કેન્દ્રો ખાતે પાણી, છાયડા સહિતની વ્યવસ્થા નાગરિકોને મળી રહે તે સુનિશ્ચિત કરવા પર ભાર મૂક્યો હતો. સી.એમ ડેશબોર્ડની કામગીરીમાં તમામ પરિમાણો પર રાજકોટ જિલ્લાનું શ્રેષ્ઠ પ્રદર્શન જળવાઈ રહે તે માટે નિવાસી અધિક જિલ્લા કલેક્ટરએ માર્ગદર્શન આપ્યું હતું. આ બેઠકમાં આસિસ્ટન્ટ કલેક્ટર મહેક જૈન, નાયબ પોલીસ કમિશનર હેતલ પટેલ, ASP સિમરન ભારદ્વાજ, નિવાસી અધિક કલેક્ટર એન.કે. મૂછાર, સર્વે પ્રાંત અધિકારીઓ સહિતના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
