મગફળી ખરીદ કેન્દ્ર પર બબાલમાં આપના જિલ્લા પ્રમુખ સહિત 3 સામે ફરિયાદ બાદ અજીબ ડ્રામા
જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના માંડાવડ ખાતે આવેલા મગફળી ખરીદ કેન્દ્ર પર આપના નેતાઓ અને શ્રમિક વચ્ચે થયેલા ઘર્ષણ બાદ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ હરેશ સાવલિયા સહિત ત્રણ લોકો સામે હુમલો અને છેડતીની ફરિયાદ થતા રાજનીતિ ગરમાઈ છે.
પોલીસ દ્વારા આપના જિલ્લા પ્રમુખ સહિત કાર્યકર્તાઓને હાજર થવા આદેશ કરતા ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા ત્રણેય નેતાઓને હારતોળા કરી વિસાવદર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. જ્યાં મહિલા પીઆઈ અને ઈટાલિયા વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ બનાવમાં છેડતી કઈ રીતે થઈ તેનો સવાલ કરતા ઈટાલિયા મહિલા પીઆઈના પગે પડી ગયા હતા. મહિલા પીઆઈએ આ બાબતે નારાજગી વ્યકત કરી હતી અને ઘટનાસ્થળેથી જતા રહ્યા હતા.
સમગ્ર મામલે વિસાવદરના એએસપી રોહિત ડાગરે જણાવ્યું હતું કે, માંડાવડ ખરીદી કેન્દ્ર પર ટેકાના ભાવે મગફળીની ખરીદી પ્રક્રિયા ચાલી રહી હતી. આ દરમિયાન હરેશ સાવલિયા અને અન્ય કાર્યકર્તાઓ ત્યાં પહોંચ્યા હતા. મગફળીને બારદાનમાં ભરવા જેવી સામાન્ય બાબતે શ્રમિકો સાથે બોલાચાલી કરી હતી. વિવાદ વધતા આરોપીઓએ શ્રમિકને માર મારી તેની પત્નીને ધક્કો માર્યો હતો અને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી અપમાનિત કર્યા હતા. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
એટ્રોસિટી અને છેડતી જેવી ગંભીર ફરિયાદ નોંધાયા બાદ આજે વિસાવદરમાં અજીબોગરીબ દ્રશ્યો જોવા મળ્યા હતા.જેના પર ગંભીર આક્ષેપો સાથે ફરિયાદ નોંધાઈ છે તેવા હરેશ સાવલિયા અને અન્ય આરોપીઓને ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ ગળામાં ફૂલહાર પહેરાવ્યા હતા, અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે વાજતે-ગાજતે રેલી સ્વરૂૂપે પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. ફરિયાદ નોંધાતા આપના કાર્યકરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને આ પ્રકારનું શક્તિપ્રદર્શન રાજકીય આલમમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.
ભાજપનું ષડયંત્ર: ઇટાલિયા
વિસાવદર મગફળી ખરીદી કેન્દ્ર પર થયેલી બબાલ અને ’આપ’ના નેતાઓ વિરુદ્ધ નોંધાયેલી ફરિયાદ મામલે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ભાજપ સરકાર અને પોલીસ તંત્ર પર આકરા પ્રહારો કર્યા છે. ઇટાલિયાએ આક્ષેપ કર્યો છે કે ટેકાના ભાવે ખરીદીમાં ચાલતા ભ્રષ્ટાચાર અને ગુંડાગર્દી વિરુદ્ધ રજૂઆત કરનારાઓને જેલમાં ધકેલવા માટે એટ્રોસિટી અને છેડતી જેવા કાયદાનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે.
