લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતાં તત્વોને મેયર ડો.નેહલ શુકલની કડક ચેતવણી, લોકોને પણ માહિતી આપવા અપીલ
નમૂના લીધા બાદ ત્વરિત લેબોરેટરી રિપોર્ટ જાહેર કરાશે, કોઈની શેહશરમ વગર પગલાં ભરવા તાકીદ
રાજકોટ શહેરમાં નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરતા ખોરાકના ભેળસેળિયાઓ સામે મહાનગર પાલિકાએ લાલઆંખ કરી છે. આજે રાજકોટના મેયર ડો. નેહલ શુક્લ અને મનપા કમિશનર તુષાર સુમેરા દ્વારા એક મહત્વની પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં તેમણે જાહેરાત કરી હતી કે, શહેરમાં ખોરાકમાં થતી ભેળસેળ રોકવા માટે આરોગ્ય વિભાગ દ્વારા એક મોટી અને લાંબી ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે, જે માત્ર થોડા દિવસો પૂરતી મર્યાદિત નહીં રહેતા આખું વર્ષ સતત ચાલુ રહેશે.
મેયર ડો. નેહલ શુક્લએ ભેળસેળિયા તત્વો પર આકરા પ્રહારો કર્યા હતા અને તેમની સરખામણી સીધી આતંકીઓ સાથે કરી દીધી હતી. તેમણે કડક શબ્દોમાં વલણ સ્પષ્ટ કરતા કહ્યું કે, લોકોના સ્વાસ્થ્ય કે જિંદગી સાથે રમત રમીને ખોરાકમાં ભેળસેળ કરનારા તત્વો કોઈ આતંકી ષડયંત્ર જેટલું જ મોટું પાપ કરી રહ્યા છે. આ પ્રકારની રાષ્ટ્રવિરોધી અને માનવતાવિરોધી પ્રવૃત્તિ હવે ચલાવી લેવામાં નહીં આવે. આગામી 1 વર્ષ સુધી છખઈ નો ફૂડ વિભાગ કોઈપણ પ્રકારની શેહશરમ રાખ્યા વિના સતત કડક કાર્યવાહી ચાલુ રાખશે, જેથી આવા તત્વોમાં કાયદાનો ભય ઊભો થાય.
ડો. નેહલ શુક્લે ભેળસેળિયા તત્વોને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યું હતું કે, “લોકોના સ્વાસ્થ્ય સાથે રમત કરનારાઓને કોઈપણ સંજોગોમાં બક્ષવામાં નહીં આવે. ખોરાકમાં ભેળસેળ કરનારાઓ સામે તમામ કાયદાકીય અને કડક રાહે કાર્યવાહી કરવામાં આવશે.” તેમણે ઉમેર્યું હતું કે, આ ઝુંબેશ અંતર્ગત શહેરમાં આવેલા ખાણીપીણીના તમામ નાના-મોટા આઉટલેટ્સ પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવશે. આ કામગીરી માટે મનપાના આરોગ્ય વિભાગની 8 ખાસ ટીમો તૈયાર કરી દેવામાં આવી છે. ફૂડ વિભાગ દ્વારા મુખ્યત્વે 3 કેટેગરીમાં વહેંચણી કરીને સમગ્ર ચેકિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
આ અભિયાન અંતર્ગત માત્ર હોટલ કે રેસ્ટોરન્ટ જ નહીં, પરંતુ તૈયાર ખાદ્ય ખોરાકથી લઈને રોજિંદા વપરાશના અનાજ સુધીના તમામ નાના-મોટા વેપારીઓને ત્યાં નમૂના લેવામાં આવશે. ઉપરાંત, ભૂતકાળમાં સેમ્પલના રિપોર્ટ આવવામાં થતા વિલંબને નિવારવા માટે પણ મહત્વનો નિર્ણય લેવાયો છે. હવેથી લેબોરેટરીમાં સેમ્પલ લીધા બાદ ખૂબ જ ઝડપથી નમૂનાનું પરિક્ષણ (ટેસ્ટિંગ) થાય અને તેનો રિપોર્ટ ત્વરિત જાહેર થાય તે માટેની વિશેષ વહીવટી કાર્યવાહી અને વ્યવસ્થા ગોઠવવામાં આવશે, જેથી ગુનેગારો સામે ઝડપથી કાયદાકીય સકંજો કસી શકાય.
મહાનગરપાલિકાની આ લડત માત્ર તંત્ર પૂરતી સીમિત ન રહેતા લોકભાગીદારી વધે તે માટે મેયર દ્વારા રાજકોટની જનતાને પણ ખાસ અપીલ કરવામાં આવી છે. તેમણે નાગરિકોને આહવાન કર્યું છે કે જો તેમની આસપાસ કે શહેરમાં ક્યાંય પણ ભેળસેળ કરતા લેભાગુ તત્વો સક્રિય હોય અથવા તો ખોરાકમાં ભેળસેળ થતી હોવાની કોઈ શંકાસ્પદ માહિતી મળે, તો તુરંત જ તેની જાણ RMCના તંત્રને કરવામાં આવે. લોકો દ્વારા આપવામાં આવતી માહિતીના આધારે તંત્ર દ્વારા તાત્કાલિક દરોડા પાડીને કડક પગલાં ભરવામાં આવશે.
અલગ અલગ 8 ટીમો બનાવાઈ, જરૂર મુજબ વધારાશે : કમિશનર
મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે, આ માત્ર કોઈ ટૂંકા ગાળાની ડ્રાઈવ નથી પરંતુ આખું વર્ષ ચાલનારી એક સઘન ઝુંબેશ છે. શહેરમાં આવેલા તમામ ખાણીપીણીના આઉટલેટ્સ, રેસ્ટોરન્ટ્સ, હોટલ્સ તેમજ હોકર ઝોન સહિતના તમામ નાના-મોટા ખાણીપીણીના વેપારીઓને આ ઝુંબેશ હેઠળ આવરી લેવામાં આવશે. હાલ પ્રાયોગિક ધોરણે કામગીરી માટે 8 અલગ-અલગ ટીમો બનાવવામાં આવી છે, જેમાં આગામી સમયમાં જરૂૂરિયાત મુજબ વધારો કરીને કામગીરીને વધુ સુદ્રઢ કરવામાં આવશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારા અને ખોરાકમાં ભેળસેળ કરનારા તત્વો સામે તંત્ર દ્વારા સખત કાર્યવાહી કરવામાં આવશે.
