અમદાવાદમાં હાથ ધરાયો નવતર પ્રયોગ, અદોદરા 100 પોલીસ કર્મચારીઓની 3 મહિના સુધી લેફટ-રાઈટ
પરેડ, કસરત, યોગા અને મેડીટેશન દ્વારા વજન ઘટાડવામાં આવશે
અમદાવાદ પોલીસના જવાનો હવે માત્ર ગુનેગારો પાછળ જ નહીં, પણ પોતાની ફિટનેસ પાછળ પણ દોડશે. શહેરના પોલીસ કમિશનર જી. એસ. મલિકે પોલીસકર્મીઓના સારા સ્વાસ્થ્ય માટે ’મિશન ફિટ ખાખી’ અભિયાનનો પ્રારંભ કર્યો છે.
આ મિશન હેઠળ, મોટું પેટ અથવા વધુ વજન ધરાવતા 100 પોલીસકર્મીઓને પસંદ કરીને તેમને ત્રણ મહિનાના સઘન ફિટનેસ પ્રોગ્રામમાં સામેલ કરવામાં આવ્યા છે.પસંદ કરાયેલા 100 પોલીસકર્મીઓએ હવે દર સોમવારે સવારે શાહીબાગ પોલીસ હેડક્વાર્ટરના પરેડ ગ્રાઉન્ડમાં હાજર રહેવું પડશે. જ્યાં નિષ્ણાંત ટ્રેનર્સ દ્વારા પરેડ, કસરત અને યોગ શીખવવામાં આવશે. તેમજ શારીરિક કસરતની સાથે માનસિક શાંતિ માટે મેડિટેશન (ધ્યાન) પણ આ કોર્સનો મહત્વનો ભાગ રહેશે. આ 3 મહિના દરમિયાન પોલીસકર્મીઓ માટે તીખું, તળેલું અને બહારનું જંક ફૂડ ખાવા પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તેમને માત્ર ઘરનું ટિફિન અને ફ્રૂટ જ્યૂસ લેવાની સૂચના આપવામાં આવી છે.આ મિશનની પ્રેરણા આપતા પોલીસ કમિશનર જી. એસ. મલિકે જણાવ્યું હતું કે, “મેં પોતે ઍ2 અઠવાડિયાનો આ ફિટનેસ કોર્સ કર્યો હતો, જેના પરિણામે મારું વજન 12 થી 14 કિલો જેટલું ઘટ્યું છે.
મારા અંગત અનુભવ બાદ મેં આ કોર્સ અન્ય અધિકારીઓ અને કર્મચારીઓ માટે ફરજિયાત બનાવવાનું નક્કી કર્યું છે.” આ મિશનની દેખરેખની જવાબદારી ઝોન-5 ના ડીસીપી ડો. જિતેન્દ્ર અગ્રવાલને સોંપવામાં આવી છે. સહભાગી પોલીસકર્મીઓની પ્રગતિ પર નજર રાખવા માટે એક વોટ્સએપ ગ્રૂપ પણ બનાવવામાં આવ્યું છે. આ ગ્રૂપમાં પોલીસ કર્મીઓ પોતાની દૈનિક પ્રવૃત્તિઓ અને મુશ્કેલીઓ શેર કરી શકશે, જેનું નિષ્ણાતોની ટીમ દ્વારા ત્વરિત નિરાકરણ કરવામાં આવશે.
એક ચિંતાજનક આંકડો સામે આવ્યો છે કે અમદાવાદ શહેરના 543 પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ અત્યંત મેદસ્વી છે, જ્યારે 2999 કર્મચારીઓ ઓવર વેઈટ (વધારે વજન) ધરાવે છે. 2021 ના એક અભ્યાસ મુજબ, 45 ટકા પોલીસકર્મીઓ તમાકુના વ્યસની છે, જેમાંથી ઘણા હાઈ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ જેવી બીમારીઓથી પીડાઈ રહ્યા છે. પોલીસની કામગીરી તણાવભરી હોય છે, જેમાં ખાવા-પીવાના અને ઊંઘવાના સમય નિશ્ચિત હોતા નથી. આવા સંજોગોમાં ’મિશન ફિટ ખાખી’ એ માત્ર પોલીસકર્મીઓની ક્ષમતા જ નહીં, પરંતુ તેમની આયુ મર્યાદા અને કાર્યક્ષમતા વધારવામાં પણ સીમાચિહ્નરૂૂપ સાબિત થશે.
પોલીસ કર્મચારીઓના બોડી માસ ઈન્ડેકસ
18.05 થી ઓછું : ઓછું વજન
18.05 થી 24.09 : સામાન્ય/આદર્શ વજન
25.00 થી 29.09 : વધારે વજન
30 થી વધુ : મેદસ્વિતા
