શહેરના ગોંડલ રોડ પર આવેલા ‘શ્રી કાઠિયાવાડ નિરાશ્રિત બાલાશ્રમ’માં રહેતી 17 વર્ષીય સગીરા અને તેના 11 માસના પુત્રનું ગુંદાવાડી સ્થિત પદ્મકુંવરબા સરકારી હોસ્પિટલના કેસ બારી પાસેથી કોઈ અજાણ્યો ઈસમ કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી ગયો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ અંગે બાલાશ્રમ સંસ્થામાં કાઉન્સિલર તરીકે ફરજ બજાવતા ચાર્મીબેન કૌશલભાઈ વ્યાસ દ્વારા રાજકોટ શહેરના એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ વિરુદ્ધ અપહરણનો ગુનો નોંધાવવામાં આવ્યો છે.
ઘટનાની વિગતો અનુસાર, સગીરા પોતાના માતા-પિતા સાથે રહેવા માંગતી ન હોવાથી ધોરાજી તાલુકા પોલીસ દ્વારા ગત 15 ઓગસ્ટના રોજ તેને તથા તેના 11 માસના બાળકને બાલાશ્રમ ખાતે સોંપવામાં આવ્યા હતા. ગત 7 સપ્ટેમ્બરના રોજ સવારે સગીરાને પેટમાં દુખાવો ઉપડતા બાલાશ્રમના કેર ટેકર હેતલબેન ત્રિવેદી તેને સારવાર માટે પદ્મકુંવરબા હોસ્પિટલ લઈ ગયા હતા. હોસ્પિટલની કેસ બારી પર કેર ટેકર જ્યારે કેસ કઢાવી રહ્યા હતા ત્યારે સગીરાએ પેટમાં દુખાવો થતો હોવાનું કહી સાઈડમાં બેસવાનું જણાવ્યું હતું. ત્યારબાદ કેર ટેકર કેસ કઢાવીને જોતાં સગીરા અને તેનું બાળક ત્યાં મળી આવ્યા નહોતા. સંસ્થાના કર્મચારીઓ દ્વારા હોસ્પિટલ પરિસર, ગુંદાવાડી બજાર તથા એસ.ટી. બસ સ્ટેન્ડ ખાતે શોધખોળ કરવા છતાં બંનેની કોઈ ભાળ મળી નહોતી.
બનાવ અંગે બાલાશ્રમ સંસ્થા દ્વારા સમાજ સુરક્ષા ખાતું, ચાઈલ્ડ વેલફેર કમિટી તથા ભક્તિનગર પોલીસ સ્ટેશન અને ધોરાજી પોલીસ સ્ટેશન ખાતે લેખિતમાં જાણ કરવામાં આવી હતી. જોકે, સંસ્થા ભક્તિનગર પોલીસની હદમાં આવે છે પરંતુ બનાવ પદ્મકુંવરબા હોસ્પિટલ ખાતે બન્યો હોવાથી આ વિસ્તાર એ-ડિવિઝન પોલીસ સ્ટેશનની હદમાં આવતો હોવાની જાણકારી મળતાં વિધિવત ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ મામલે એ-ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઈન્સપેક્ટર વિજયસિંહ ઝાલા દ્વારા અજાણ્યા અપહરણકારની ભાળ મેળવવા સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.
