ક્રિકેટ કોચ સહિત ત્રણ શખ્સોએ સરાજાહેર ગુંડાગીરી આચરી; પોલીસની ભૂમિકા સામે ઉઠતા સવાલ; સબક શીખવવા માર માર્યાનું તપાસમાં ખુલ્યું: તરૂણ સામે પણ ગુનો નોંધાયો
ગોંડલના કોલેજ ચોકમાં આવેલી સંગ્રામસિંહ હાઈસ્કૂલના મેદાનમાં હનુમાનજી મંદિર પાસે ક્રિકેટ કોચ સહિત ત્રણ શખ્સોએે એક સગીરને ધોકા વડે બેરહેમ માર મારતા ઘેરા પડઘા પડયા છે. આ શખ્સોએ સગીરને બચાવવા વચ્ચે પડેલા તેના પિતા તથા માતાને પણ માર માર્યો હતો. બનાવ અંગે બી-ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. બીજી તરફ પોલીસ તપાસમાં ખુલ્યું કે, પીડિત તરૂૂણ અને તેનો મિત્ર એક સગીરને એક મહિનાથી હેરાન કરતા હતા, જેથી આ તરૂૂણને શબક શીખવવા ગઈકાલે સાંજે માર માર્યો હતો. જે મામલે આ બન્ને તરૂૂણો સામે પણ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલના ભગવતપરા વિસ્તારમાં રહેતા એક તરૂૂણને સંગ્રામસિંહ હાઈસ્કૂલનાં મેદાનમાં હનુમાનજી મંદિર પાસે મયુરસિંહ દિલીપસિંહ ઝાલા અને તેના ભાઈ દર્શનસિંહ દિલીપસિંહ ઝાલા તથા મિત્ર ક્રિકેટ કોચ મયુરસિંહ જયપાલસિંહ સોલંકીએ ધોકા વડે બેરહેમીથી માર માર્યો હતો. જેથી પીઠ, હાથ, પગમાં ગંભીર ઇજાઓ પંહોચતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો. આ બનાવ અંગે ક્ધસ્ટ્રકશનનોે વ્યવસાય કરતા તરૂૂણના પિતાએ બી-ડીવીઝન પોલીસમાં ફરિયાદ કરીને જણાવ્યુ કે ગત સાંજે મારા દીકરાને મારતા હોવાનો ફોન અમે પતિ-પત્ની બન્ને તુરંત ત્યાં પહોચ્યા હતા. ત્યાં ઘણા લોકો ઉભા હતા અને ક્રિકેટ કોચ મયુરસિંહ સહિતના ત્રણ લોકો લાકડાનાં ધોકા વડે અમારા પુત્રને મારતા હતા. જેમને અટકાવવા જતાં અમને પણ માર માર્યો હતો. મારા પત્નીની ચુંદડી ખેંચીને ધક્કો મારી નીચે પછાડી દઈને ઢીકાપાટુનો માર માર્યો હતો. બાદમાં વધુ લોકો એકઠા થઇ જતા ત્રણેય હુમલાખોરો જાનથી મારી નાખવાની ધમકી આપીને નાસી ગયા હતા.
બીજી તરફ આ બનાવથી રોષિત બનેલા પાટીદાર સમાજે પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી 24 કલાકમાં આરોપીઓનેે પકડી પાડવામાં ન આવે તો રાજકોટ એસપી તથા કલેકટર કચેરીએ મોરચો લઇ જઈને હલ્લાબોલ કરવાની ચીમકી આપતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કરીને બે શખ્સો મયુરસિંહ દિલીપસિંહ ઝાલા અને તેના ભાઈ દર્શનસિંહ દિલીપસિંહ ઝાલાને ઝડપી લીધા હતા. જ્યારે ક્રિકેટ કોચ મયુરસિંહ જયપાલસિંહ સોલંકીની શોધખોળ હાથ ધરી હતી.
આ ચકચારી ઘટનાનાં કારણ અંગે પોલીસે તપાસ કરતા ખુલ્યું કે, પીડિત તરૂૂણ અને તેનો મિત્ર એક સગીરને એક મહિનાથી હેરાન કરતા હતા. કોચિંગ ક્લાસમાં જતી વખતે અશ્ર્લીલ ચેષ્ટાઓ કરવા સાથે મારકૂટ કરતા હતા. જેથી આ સગીરે ઘરે વાત કરતા તેના પરિવારજનોએ બન્ને તરૂૂણ પૈકી એકનો પત્તો લાગી જતાં શબક શીખવવા ગઈકાલે સાંજે સંગ્રામસિંહ હાઈસ્કૂલનાં મેદાનમાં પકડીને માર માર્યો હતો અને તેના માતા-પિતા બચાવવા માટે આવતા તેઓની સાથે પણ ઝપાઝપી થઈ ગઈ હતી. જેથી પહેલાની ઘટનામાં પણ આજે પોલીસે તરૂૂણ અને તેના મિત્ર સામે સગીરને હેરાન કરવા સબબ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.
પાટીદાર સમાજની એક જ માંગ, આરોપીનું સરઘસ કાઢો: શનિવારે ગોંડલ અડધો દિવસ બંધ
ગોંડલ માં સંગ્રામસિંહ હાઈસ્કૂલ ના મેદાનમાં સગીરને ત્રણ શખ્સોએ ઘોકા વડે માર માર્યાની ઘટનાનાં પાટીદાર સમાજ માં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.સવારે મોટી સંખ્યામાં એકત્રીત થઇ પ્રાંત કચેરીએ આવેદનપત્ર આપ્યા બાદ રાત્રીનાં જેલચોક પટેલવાડી ખાતે પાટીદાર સમાજની મિટિંગ નું આયોજન કરાયુ હતુ. જેમા મોટી સંખ્યામાં પટેલ સમાજ ઉપસ્થિત રહ્યો હતો. મીટીંગ માં પાટીદાર આગેવાનોએ હુંકાર કર્યો હતો કે છેલ્લે સુધી લડી લેશું, પીછે હઠ કરવામાં આવશે નહિ ગાંધીનગર સુધી જવાની લડત આપીશુ.વધુમાં પકડાયેલા આરોપીઓ નો જાહેર માં વરઘોડો કાઢી સરભરા કરવા માંગ કરાઇ હતી.શનીવાર સુધીમાં પોલીસ તંત્ર દ્વારા માંગ પુરી નહી કરાય તો અડધો દિવસ ગોંડલ બંધ પાળી વિરોધ કરાશે તેવુ જણાવ્યુ હતુ.