મણિપુરમાં સેનાના કાફલા પર ઉગ્રવાદીઓનો હુમલો, બોંબ બ્લાસ્ટ: બે જવાનો શહીદ

મણિપુરના ઉખરુલ જિલ્લામાં સોમવારે એક મોટી હિંસક ઘટના સામે આવી છે. અહીં શંકાસ્પદ ઉગ્રવાદીઓએ 40 અસમ રાઇફલ્સના કાફલા પર ઘાતકી હુમલો કર્યો હતો, જેમાં સેનાના…

મણિપુરના ઉખરુલ જિલ્લામાં સોમવારે એક મોટી હિંસક ઘટના સામે આવી છે. અહીં શંકાસ્પદ ઉગ્રવાદીઓએ 40 અસમ રાઇફલ્સના કાફલા પર ઘાતકી હુમલો કર્યો હતો, જેમાં સેનાના 2 જવાનો શહીદ થયા છે. મૃતકોની ઓળખ વારન્ટ ઓફિસર બલવંત સિંહ અને રાઇફલમેન સીએમ સિંહ તરીકે થઈ છે. હુમલા બાદ વિસ્તારમાં સુરક્ષા દળો દ્વારા મોટા પાયે સર્ચ ઓપરેશન શરૂૂ કરવામાં આવ્યું છે.

સુરક્ષા અધિકારીઓના જણાવ્યા મુજબ, કાફલો જ્યારે પોતાના કેમ્પથી પોલીસ સ્ટેશન તરફ જઈ રહ્યો હતો ત્યારે શાંગશાક પાસે નુંગશાંગ કોંગ ગામ નજીક આ હુમલો થયો હતો. ઉગ્રવાદીઓએ રસ્તામાં એક પુલની બંને બાજુ 3 IED બોમ્બ લગાવ્યા હતા. કાફલો પસાર થતાં જ 2 બોમ્બ બ્લાસ્ટ થયા અને ચારેય તરફથી આડેધળ ગોળીબાર શરૂૂ થઈ ગયો. જવાનોએ પણ તુરંત જવાબી ફાયરિંગ કર્યું હતું, જે આશરે 1 કલાક સુધી ચાલ્યું હતું. તપાસ દરમિયાન ઘટનાસ્થળેથી 1 જીવતો બોમ્બ પણ મળી આવ્યો છે.

બીજીતરફ મણિપુરના કાંગપોકપી જિલ્લામાં કાંગચુપ પોલીસ સ્ટેશન હેઠળ આવતા ફાએંગ વિસ્તારના ચિરુ ગામમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવા માટે પગપાળા પેટ્રોલિંગ કરી રહેલા મણિપુર પોલીસના જવાનોએ સર્ચ ઓપરેશન દરમિયાન એક શંકાસ્પદ IED બોમ્બ અને સ્થાનિક સ્તરે બનેલા 4 મોર્ટાર શેલ જપ્ત કરીને સંભવિત અકસ્માતને નિષ્ફળ બનાવ્યો છે.

આ ઘટના એવા સમયે બની છે જ્યારે થોડા દિવસો પહેલા જ ઉખરુલ જિલ્લામાં નવી સૈન્ય ચોકી બનાવવાના પ્રસ્તાવ સામે સ્થાનિકો અને સુરક્ષા દળો વચ્ચે હિંસક ઝપાઝપી થઈ હતી, જેમાં 4 નાગરિકો ઘાયલ થયા હતા. મણિપુરમાં મે 2023 થી શરૂૂ થયેલી વંશીય હિંસામાં અત્યાર સુધીમાં 260થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે અને હજારો લોકો બેઘર થયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *