અમદાવાદમાં ગઈકાલે ભારે ગાજવીજ અને વીજ કડાકા સાથે અનરાધાર વરસાદ વરસ્યો હતો. ખાસ કરીને મણિનગર વિસ્તારમાં સાંજે 7થી 8 વાગ્યા દરમિયાન બે ઈંચથી વધુ વરસાદ ખાબકતા નીચાણવાળા અનેક વિસ્તારમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા. ભારે વરસાદના કારણે ઓઢવમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. ઓઢવના અંબિકાનગર નજીક ડ્રેનેજલાઈનમાં એક આધેડ બાઈક સાથે ગરકાવ થયા હતા.
ફાયર વિભાગ દ્વારા તેની શોધખોળ શરૂૂ કરતા ડ્રેનેજલાઈનના 200 ફૂટ દૂરથી આધેડનો મૃતદેહ શોધી કાઢ્યો હતો. મૃતકની 45 વર્ષીય ઓળખ મનુભાઈ પંચાલ તરીકે થઈ છે. અમદાવાદના ઓઢવના અંબિકા નગરમાં મોગલ માતાના મંદિર પાસે ડ્રેનેજલાઈન પડેલા યુવકનો મૃતદેહ આજે બહાર કાઢવામાં આવ્યો હતો. બુધવારે રાત્રે આ આધેડ બાઈક સાથે ડ્રેનેજલાઈનમાં ખાબક્યા હતા. આશરે 9 કલાક બાદ ફાયર વિભાગની ટીમને આધેડનો મૃતદેહ મળ્યો હતો. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં આધેડ બાઈક લઈને સીધો જ ડ્રેનેજ લાઇનમાં પડી જાય છે. એવામાં અમદાવાદની મહાનગર પાલિકાની કામગીરી પર મોટા સવાલો ઊભા થઈ રહ્યા છે. દર વર્ષે જેમ ચોમાસામાં પ્રિ-મોન્સૂનની નબળી કામગીરીના કારણે અમદાવાદનો વિકાસ છતો થાય છે. કંઈક આવી જ ઘટના આ વર્ષે પણ જોવા મળી હતી.
એકબાજુ વરસાદના પાણી ઓસરી નહતા રહ્યા ત્યાં બીજી બાજું તંત્રેએ આડેધડ જાહેર રસ્તાની ગટરો ખોલી નાંખી હતી. આ ઉપરાંત ગટરની આગળ કોઈ બેરિકેટ્સ પણ લગાવવામાં નહતા આવ્યા. ઘૂંટણસમા ભરાયેલા પાણીમાં લોકોને આ ખુલ્લી ગટરો દેખાય એમ નથી. જેનો ભોગ ઓઢવમાં આ આધેડ બન્યા હતા. જો કે, આ વિશે તંત્ર દ્વારા ન તો હજુ સુધી કોઈ જવાબદારી લેવામાં આવી છે, ન તો આધેડ માટે કોઈ સાંત્વના પાઠવવામાં આવી છે.
