મોસમમાં પલટો; ભાવનગર-ઘોઘામાં 1 ઈંચ, અન્યત્ર ઝાપટા

સૌરાષ્ટ્ર-કચ્છમાં મેઘાડંબર વચ્ચે ભારે પવન ફુંકાયો, વધુ એક દિવસ માવઠાની આગાહી ગુજરાતમાં હવામાનમાં પલટો આવ્યા બાદ છેલ્લા બે દિવસથી કમોસમી વરસાદ પડી રહ્યો છે. જેમાં…

સૌરાષ્ટ્ર-કચ્છમાં મેઘાડંબર વચ્ચે ભારે પવન ફુંકાયો, વધુ એક દિવસ માવઠાની આગાહી

ગુજરાતમાં હવામાનમાં પલટો આવ્યા બાદ છેલ્લા બે દિવસથી કમોસમી વરસાદ પડી રહ્યો છે. જેમાં ગઈકાલે ગુજરાતમાં અરવલ્લી, ગાંધીનગર, પંચમહાલ, મહેસાણા, સાબરકાંઠા જિલ્લામાં અડધાથી બે ઈંચ જેટલો વરસાદ પડી ગયો હતો. જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છમાં ભાવનગર, ઘોઘા, પ્રાંતિજ સહિતના પંથકમાં એક ઈંચથી વધુ પાણી વરસી જતાં ઉભા મોલને નુકસાની થવાનો ભય ખેડૂતો દ્વારા વ્યકત કરવામાં આવ્યો હતો. તેવી જ રીતે ગુજરાતમાં ગઈકાલથી વંટોળીયા અને ભારે પવનને કારણે લોકજીવન પ્રભાવિત થયું હતું.

રાજસ્થાન ઉપર સાયકલોનિક સકર્યુલેશન સર્જાયા બાદ ગુજરાતના 14 જિલ્લા અને 40 તાલુકામાં ઝાપટાંથી માંડીને બે ઈંચ વરસાદ વરસ્યો હતો જેમાં ભાવનગરમાં ધોધમાર પોણોથી એક ઈંચ,ઘોઘામાં 5 મિ.મિ. કમોસમી વરસાદ જ્યારે સૌરાષ્ટ્રમાં અન્યત્ર તીવ્ર વંટોળિયો ફૂંકાયો હતો. રાજ્યમાં અરવલ્લી, મહેસાણા, પાટણ, ગાંધીનગર, સાબરકાંઠા, આણંદ,દાહોદ, ખેડા વગેરેજિલ્લામાંમાવઠાં વરસ્યા હતા જ્યારે બીજી તરફ, રાજકોટ શહેર તથા ઓખા દ્વારકા, ભાટીયા, પોરબંદર, વેરાવળ, મહુવા સહિત કાંઠાળ વિસ્તારોમાં 30થી 40 કિ.મી.ની ઝડપે તીવ્ર પવન ફૂંકાયો હતો. એકંદરે અરબી સમુદ્ર પરથી ગુજરાતમાં વેગીલા પવનો ફરી વળતા ગરમીમાં ઘટાડો જારી રહ્યો હતો. આજે મહત્તમ તાપમાન સૌથી વધુ અમદાવાદ, અમરેલી, રાજકોટમાં 36.6 સે., સુરેન્દ્રનગર, ભાવનગર, ગાંધીનગરમાં 35 સેં. અને અન્યત્ર 35થી નીચું રહ્યું હતું. મોસમ વિભાગ અનુસાર આવતીકાલથી એકંદરે સુકુ હવામાન રહેવા તથા તા.9થી 13 એપ્રિલ દરમિયાન ગુજરાતમાં તાપમાનમાં 2થી 4 સે. સુધી વધારો થવાની આગાહી છે. જ્યારે તા.11થી 13 દરમિયાન સૌરાષ્ટ્ર કચ્છસહિત ગુજરાતના દરિયાકાંઠા નજીકના વિસ્તારોમાં અકળાવી દે તેવું ગરમ-ભેજયુક્ત હવામાન રહેવાની આગાહી જારી કરાઈ છે.

ભાવનગરમાં ઉનાળાની સિઝનમાં ત્રીજી વખત માવઠું વરસ્યું હતું. ગઈકાલે પવન અને વીજ ગર્જના સાથે શહેરમાં પોણો ઈંચ કમોસમી વરસાદ ખાબકી ગયો હતો. જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. હવામાન વિભાગે કરેલી આગાહીને લઈ ભાવનગરમાં ગઈકાલે બપોરના બે વાગ્યા આસપાસ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. પ્રથમ સૂર્યનારાયણની હાજરી વચ્ચે છાંટા વરસ્યા બાદ 26 કિ.મી.ની ઝડપે ફૂંકાયેલા પવન અને વીજળીના ગડગડાટ સાથે જોરદાર માવઠું વરસ્યું હતું. જેના કારણે માત્ર અર્ધો કલાકમાં જ 16 મિ.મી. પાણી પડયું હતું.

શહેરના છેવાડાના વિસ્તારમાં વરસાદનું પ્રમાણ વધું રહેતા હવામાન વિભાગમાં 20 મિ.મી. વરસાદ થયાનું નોંધાયું હતું. માવઠાંના કારણે રસ્તાઓ પર પાણી ભરાયા હતા. કમોસમી વરસાદ થંભ્યા બાદ તુરંત ઉઘાડ નીકળ્યો હતો. વરસાદી માવઠાંના માહોલ વચ્ચે પણ મહત્તમ તાપમાન દોઢ ડિગ્રી ઉંચકાઈને 35.1 ડિગ્રીએ પહોંચી ગયું હતું. કુમુદવાડી વિસ્તારમાં આવેલા એક કોમ્પલેક્ષની છત પડતા લોકોમાં નાસભાગ મચી હતી. સદ્નસીબે કોઈ ઈજા કે જાનહાનિ થવા પામી ન હતી. ભાવનગર ઉપરાંત ઘોઘામાં પણ માવઠાંનો માર પડયો હતો. ઘોઘામાં પાંચ મિ.મી. કમોસમી વરસાદ થયાનું ફ્લડ કંટ્રોલ વિભાગમાં નોંધાયું છે.

કયાં કેટલો વરસાદ
અરવલ્લી 2 ઈંચ,
માણસા 1॥ ઈંચ
બાયડ 1॥ ઈંચ
શેહરા 1॥ ઈંચ
વિજાપુર 1। ઈંચ
તાલોદ 1 ઈંચ
હિંમતનગર 1 ઈંચ
ભાવનગર 1 ઈંચ
ઘોઘા 0॥। ઈંચ
પ્રાંતિજ 0॥ ઈંચ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *