ભાવનગર શહેરના પરિમલ ચોક વિસ્તારમાં નશાની હાલતમાં મધ્યાહન ભોજન કચેરી ના મામલતદાર ઝડપાતા ચકચાર મચી ગઈ હતી. પ્રાપ્ત વિગતો મુજબ ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં માધવ દર્શન એપાર્ટમેન્ટમાં રહેતા અને પરિમલ ચોક સ્થિત મધ્યાહન ભોજન યોજનાની કચેરીમાં મામલતદાર તરીકે ફરજ બજાવતા મેહુલભાઈ નિમેષભાઈ ભટ્ટ નશાની હાલતમાં મળી આવ્યા હતા.
પોલીસે તુરંત જ આ શખ્સને અટકાવી તેની પૂછપરછ હાથ ધરી હતી. તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે, પકડાયેલ શખ્સ કોઈ સામાન્ય નાગરિક નહીં પરંતુ જવાબદાર સરકારી અધિકારી છે. તેઓ મધ્યાહન ભોજન યોજનાની કચેરીમાં મામલતદાર જેવી મહત્વની પોસ્ટ પર કાર્યરત છે. ફરજ પર હોવા છતાં અથવા જાહેર સ્થળે આ પ્રકારે નશો કરેલી હાલતમાં મળી આવતા પોલીસે તેમની અટકાયત કરી હતી. નિલમબાગ પોલીસે આ મામલે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પતિના ત્રાસથી પત્નીએ ફિનાઈલ પીધું
ભાવનગર માં ભાઈએ લીધેલા ઉછીના પૈસા પરત ન કરી શકતા પતિએ પત્ની પર શારીરિક અને માનસિક ત્રાસ ગુજારવાનું શરૂૂ કર્યું હતું. આ ત્રાસથી કંટાળીને પરિણીતાએ ફિનાઈલ પી લઈ આપઘાત નો પ્રયાસ કરતા હોસ્પિટલ ખસેડાયેલ છે. આ બનાવની મળતી માહિતી અનુસાર શહેરના ફૂલસર વિસ્તારના મહાદેવ નગરમાં રહેતા પૂજાબેન ભોળાભાઈ મકવાણાએ પોતાના પતિ ભોળા સવજી મકવાણા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, પૂજાબેનના ભાઈ કિરીટ દિનેશભાઈ સરવૈયાએ થોડા સમય પહેલા પોતાના બનેવી ભોળા મકવાણા પાસેથી રૂૂ.15,000 ઉછીના લીધા હતા. આ રકમ કિરીટભાઈ પરત કરી શક્યા ન હતા.પૈસા પરત ન મળતા પતિ ભોળાએ છેલ્લા એક વર્ષથી પૂજાબેન પર દાઝ કાઢવાનું શરૂૂ કર્યું હતું.
તે અવારનવાર પૂજાબેનને શારીરિક અને માનસિક ત્રાસ આપતો હતો. પતિના આ સતત વધતા જતા ત્રાસને કારણે પૂજાબેનની માનસિક સ્થિતિ કથળી હતી. આખરે કંટાળીને પૂજાબેને પોતાના ઘરે ફિનાઈલ પી લીધું હતું.
આ બનાવ ની જાણ થતાં જ પરિવારજનોએ પૂજાબેનને તાત્કાલિક હોસ્પિટલ ખસેડ્યા હતા, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે. આ મામલે બોરતળાવ પોલીસે પતિ ભોળા સવજી મકવાણા વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
