રાજકોટ જિલ્લા પંચાયત કચેરી ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ સંજયભાઈ પીપળીયાના અધ્યક્ષસ્થાને સામાન્ય સભાની બેઠક મળી હતી. સભા દરમિયાન સદસ્યો દ્વારા વિવિધ પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં ખાસ કરીને નરશીભાઈ સોજિત્રા, અલ્પાબેન તોગડિયા, સુમિતાબેન ચાવડા, જસ્મીનભાઈ પીપળીયા, આરતીબેન જેતાણી અને અરુણાબેન ભાષા દ્વારા પોતાના વિસ્તારના પ્રશ્નો અને રજૂઆતો રજૂ કરાઈ હતી. આ બેઠકમાં 16મા નાણાપંચની નવી માર્ગદર્શિકા મુજબ જિલ્લા કક્ષાના કુલ 164 વિકાસ કાર્યો માટે રૂૂપિયા 1113 લાખના કાર્યોનો સમાવેશ કરતો મહત્વનો ઠરાવ મંજૂરી અર્થે રજૂ કરવામાં આવ્યો હતો.
નવા વિકાસ કાર્યોમાં ગ્રામ્ય કક્ષાએ નવા આંગણવાડી ભવન બનાવવાના કામો, ઘન કચરાના નિકાલ માટેની વ્યવસ્થા, મધ્યાહન ભોજન શેડના કામો તેમજ સદસ્યઓએ પોતાના વિસ્તારમાં સૂચવેલા વિવિધ વિકાસ કાર્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત 15મા નાણાપંચ જિલ્લા કક્ષાના આયોજન (સને 2020-21 થી 2025-26) અંતર્ગત હેતુફેરથી લેવાના કુલ 81 કામો (જેની રકમ રૂૂપિયા 546 લાખ થાય છે) અને વ્યાજની રકમના કુલ 22 કામો જેની રકમ રૂૂપિયા 115 લાખ થાય છે તેને પણ મંજૂરી આપવામાં આવી હતી. આ ઠરાવને વિકાસ કમિશનરશ્રીની કચેરીમાં મંજૂરી અર્થે મોકલવા માટે નિર્ણય કરાયો હતો.આજની સામાન્ય સભામાં સૌથી મોટો અને ચર્ચાસ્પદ મુદ્દો શાપર અને વેરાવળ ગ્રામ પંચાયતને નગરપાલિકામાં રૂૂપાંતરિત કરવાનો રહ્યો હતો.
કોટડાસાંગાણી તાલુકા પંચાયતની સામાન્ય સભાના અગાઉના ઠરાવ તેમજ શાપર અને વેરાવળ ગ્રામ પંચાયતોના પ્રસ્તાવ મુજબ, શાપર ગ્રામ પંચાયતને શાપર-વેરાવળ સંયુક્ત નગરપાલિકા અથવા સ્વતંત્ર નગરપાલિકા બનાવવા તથા વેરાવળ ગ્રામ પંચાયતનો ભવિષ્યમાં રાજકોટ મહાનગરપાલિકામાં સમાવેશ કરવા અંગેની દરખાસ્તને બહાલી આપવામાં આવી હતી. આ દરખાસ્તને સમર્થન આપીને હવે આગળની મંજૂરી માટે સરકારમાં મોકલવામાં આવશે.
સામાન્ય સભામાં તાલુકાઓ અને ગ્રામ્ય વિસ્તારોમાં આવેલી શાળાઓ, આંગણવાડીઓમાં ઘટતા સ્ટાફ અને માળખાકીય પ્રશ્નો તેમજ ગ્રામ્ય વિસ્તારોને જોડતા માર્ગોની ખરાબ હાલતને લઈને સભ્યોએ ઉગ્ર રજૂઆતો કરી હતી.
સભા દરમિયાન રોડ-રસ્તાઓની દુર્દશા અને નાગરિકોની ફરિયાદોનો મુદ્દો જોરશોરથી ઉછળ્યો હતો. અગાઉ ડામરના કામો અને તેના લીધે સર્જાતા પ્રશ્નો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ ગંભીર બાબતને ધ્યાને લઈને તંત્ર દ્વારા આગામી 15 દિવસની અંદર જિલ્લાના તમામ તૂટેલા અને ખરાબ રોડ-રસ્તાઓ રીપેર કરી દેવા અને તેનો અહેવાલ રજૂ કરવા માટે સખત અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે.
તલાટીઓ ગેરહાજર રહેતા હોવાથી લોકોને ભારે હેરાનગતિ
જિલ્લા પંચાયતમાં આંકડા મદદનીશ કેડર તરીકે ફરજ બજાવતા કર્મચારીઓની રજૂઆતને ધ્યાને રાખીને સૂચિત ’રાજકોટ જિલ્લા પંચાયત આંકડા મદદનીશ મંડળ’ની રચના કરી તેને માન્યતા આપવા બાબતે પણ નિર્ણય કરાયો હતો. ગ્રામ પંચાયતોમાં તલાટી મંત્રીઓની અનિવાર્ય ગેરહાજરી અને વડી કચેરીમાં તેમની ઉપસ્થિતિ અંગે પણ ભારે ચર્ચા થઈ હતી. જો કોઈ ગ્રામ પંચાયતમાં તલાટી મંત્રી નિયમિત હાજર ન રહેતા હોય અને પ્રજાના કામો અટકતા હોય, તો તેની સીધી જાણ કરવા અથવા મીડિયાના માધ્યમથી ધ્યાન દોરવા પર કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવી ખાતરી સભામાં આપવામાં આવી હતી.
