‘રેડ એલર્ટ’ વચ્ચે રાજ્યમાં મેઘતાંડવ: 82 તાલુકામાં વરસાદ, નર્મદામાં 2 કલાકમાં 4.5 ઇંચ વરસાદ

  હવામાન વિભાગના ‘રેડ એલર્ટ’ વચ્ચે અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. સવારે માત્ર 6થી 8 વાગ્યાના બે કલાકમાં જ રાજ્યના 82 તાલુકામાં વરસાદ નોંધાયો…

 

હવામાન વિભાગના ‘રેડ એલર્ટ’ વચ્ચે અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. સવારે માત્ર 6થી 8 વાગ્યાના બે કલાકમાં જ રાજ્યના 82 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ નર્મદા જિલ્લાના સાગબારા અને ગરુડેશ્વરમાં 4.65 ઈંચ નોંધાતા જનજીવન પ્રભાવિત થયું છે.

સુરત, વડોદરા, ભરૂચ અને ખેડા જિલ્લામાં ધોધમાર વરસાદને કારણે અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ગાંધીનગરમાં સંચાલિત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના આંકડાઓ અનુસાર સવારથી 82 તાલુકામાં મેઘમહેર નોંધાઈ ચૂકી છે. જેમાં સૌથી વધુ નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં 118 મિ.મી. એટલે કે કુલ 4.65 ઈંચ જ્યારે ગરુડેશ્વરમાં પણ 4.65 ઈંચ જેટલો વરસાદ નોંધાતા પાણી જ પાણીની સ્થિતિ સર્જાઈ છે. જ્યારે નર્મદાના નાંદોદ, તિલકવાડામાં પણ અનુક્રમે 3.54 અને 3.15 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.

ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્ર સંપૂર્ણ સતર્ક બન્યું છે. બાળકોની સુરક્ષાને પ્રાથમિકતા આપતા અમદાવાદ, વડોદરા, સુરત સહિત 9 જિલ્લાઓમાં શાળા અને કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે.

હવામાન વિભાગે 2 ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આજે અમદાવાદ અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ સહિત કુલ 13 જિલ્લામાં ‘રેડ એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર સહિત 7 જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’ અને સૌરાષ્ટ્ર તથા ઉત્તર ગુજરાતના અન્ય વિસ્તારોમાં ‘યલો એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *