ગુજરાતમાં મેઘતાંડવ: 24 કલાકમાં 164 તાલુકામાં વરસાદ, રાજુલામાં 11 ઈંચ ખાબક્યો

  ગુજરાતમાં મેઘરાજાએ ફરી એકવાર તોફાની બેટિંગ કરી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 164 તાલુકામાં વરસાદ નોંધાતા અનેક વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત બન્યું છે. અમરેલી જિલ્લામાં…

 

ગુજરાતમાં મેઘરાજાએ ફરી એકવાર તોફાની બેટિંગ કરી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 164 તાલુકામાં વરસાદ નોંધાતા અનેક વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત બન્યું છે. અમરેલી જિલ્લામાં સૌથી વધુ અસર જોવા મળી છે, જ્યાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે.

છેલ્લા 24 કલાકમાં અમરેલી જિલ્લાના રાજુલામાં 11 ઇંચ, ધારીમાં 9 ઇંચ અને ખાંભામાં 7 ઇંચ વરસાદ વરસ્યો છે. સતત ધોધમાર વરસાદના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે અને જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે.

ભારે વરસાદથી અમરેલી જિલ્લામાં પૂર જેવી સ્થિતિ સર્જાતા સાવરકુંડલા, રાજુલા, જાફરાબાદ, ધારી અને ખાંભા તાલુકાની તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. સ્થાનિક તંત્ર દ્વારા લોકોને સાવચેતી રાખવા તેમજ જરૂર વગર બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે.

ઉના-અમરેલી પંથકમાં ભારે વરસાદ અને તોફાની પવનના કારણે વીજ વ્યવસ્થાને પણ મોટું નુકસાન પહોંચ્યું છે. PGVCLના જણાવ્યા મુજબ અમરેલી જિલ્લામાં 222 વીજપોલ અને 9 ટ્રાન્સફોર્મર ધરાશાયી થયા છે. જેના કારણે ઉના, સાવરકુંડલા અને જાફરાબાદ સહિતના 55 જેટલા ગામોમાં વીજ પુરવઠો સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે. હાલ વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવા માટે PGVCLની ટીમો યુદ્ધના ધોરણે કામગીરી કરી રહી છે.

આ તરફ હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. 6 જુલાઈની આગાહી મુજબ ત્રણ જિલ્લા અને બે કેન્દ્રશાસિત પ્રદેશ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે આઠ જિલ્લામાં ઓરેન્જ અને સાત જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જોકે સવારના 6થી 8 વાગ્યા દરમિયાન માત્ર પાંચ તાલુકામાં 1થી 2 મિમી વરસાદ નોંધાતા મેઘરાજાએ આંશિક વિરામ લીધો હોવાનું જોવા મળ્યું છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *