ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ: 107 તાલુકામાં વરસાદ, 2 જિલ્લામાં રેડ એલર્ટ

  જુલાઈ મહિનાની શરૂઆત સાથે જ મેઘરાજાએ રાજ્યભરમાં જોરદાર બેટિંગ શરૂ કરી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 107 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ સુરત…

 

જુલાઈ મહિનાની શરૂઆત સાથે જ મેઘરાજાએ રાજ્યભરમાં જોરદાર બેટિંગ શરૂ કરી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 107 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ સુરત જિલ્લાના પલસાણામાં રાજ્યમાં સૌથી વધુ 7.99 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે જૂનાગઢ, નવસારી, રાજકોટ અને અમરેલી સહિતના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. બીજી તરફ હવામાન વિભાગે આગામી 5 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.

આજે સવારે 6થી 8 વાગ્યા દરમિયાન પણ રાજ્યના 34 તાલુકામાં વરસાદ નોંધાયો છે. ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડામાં સૌથી વધુ 2.36 ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે ઉનામાં બે કલાકમાં એક ઇંચથી વધુ વરસાદ સાથે વીજળીના કડાકા-ભડાકા જોવા મળ્યા હતા. કોડીનારમાં પણ દોઢ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો.

હવામાન વિભાગે આગામી 5 જુલાઈ સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આજે બે જિલ્લામાં રેડ એલર્ટ જ્યારે 10 જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ અને 10 જિલ્લામાં હળવા વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સાથે જ 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવા અને વીજળી પડવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

જૂનાગઢ અને ગીર સોમનાથમાં રેડ એલર્ટ એલર્ટ જાહેર કરાયું છે. જયારે પોરબંદર, અમરેલી, ભાવનગર, આણંદ, સુરત, ભરુચ, નવસારી, વલસાડ, ડાંગ, તાપીમાં ઓરેન્જ એલર્ટ છે. અને રાજકોટ, બોટાદ, અમદાવાદ, ખેડા, મહીસાગર, વડોદરા, નર્મદા, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદમાં યલો એલર્ટ જાહેર કરાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *