ગુજરાતમાં આગામી દિવસોમાં ફરી વરસાદી માહોલ જામવાની આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, આગામી 48 કલાક દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડી શકે છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. આ ઉપરાંત રાજ્યના અન્ય છૂટાછવાયા વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળી શકે છે.
જોકે, આગામી 48 કલાક બાદ વરસાદની સ્થિતિ વધુ સક્રિય થવાના સંકેત છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, 26 ઓગસ્ટથી રાજ્યમાં વરસાદી માહોલ ફરી જામશે. રક્ષાબંધન તેમજ સાતમ-આઠમના તહેવારો દરમિયાન પણ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે.
ગુજરાતમાં વરસાદ માટે બંગાળના ઉપસાગરમાં બનતી સિસ્ટમ પણ મહત્વની બની શકે છે. આ સિસ્ટમની અસરથી આગામી દિવસોમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી પ્રવૃત્તિ જોવા મળી શકે છે. આગામી સપ્ટેમ્બર મહિનામાં પણ વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સપ્ટેમ્બરમાં હવાના હળવા દબાણ સર્જાય તો તેના કારણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.
આ ઉપરાંત ઉત્તર અરબ સાગર સક્રિય થાય તો ખાસ કરીને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ વરસાદની શક્યતા છે. આમ, આગામી 48 કલાકમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં બાદ 26 ઓગસ્ટથી વરસાદી માહોલ વધુ સક્રિય થવાની આગાહી છે. તહેવારો દરમિયાન ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજા મહેરબાન થાય તેવા સંકેતો મળી રહ્યા છે.
