દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા ત્રણેક દિવસથી મેઘરાજા સટાસટી બોલાવી રહ્યા છે. દ્વારકા તાલુકામાં મંગળવારે ધોધમાર 5 ઈંચ વરસાદ બાદ બુધવારે કલ્યાણપુર પંથકમાં 8 ઈંચ જેટલો વરસાદ વરસી જતા ઠેર ઠેર હાલાકીના દ્રશ્યો જોવા મળ્યા હતા. દ્વારકા પંથકમાં જારી રહેલી મેઘ મહેર વચ્ચે ગઈકાલે બપોરથી સાંજ સુધીમાં ભારે ઝાપટા રૂૂપે આશરે સાડા ત્રણ ઈંચ પાણી પડી ગયું હતું. આમ, આજે સવાર સુધીમાં દ્વારકા તાલુકામાં 89 મી.મી. વરસાદ નોંધાયો છે.
કલ્યાણપુર પંથકમાં સૌથી વધુ મેઘરાજાએ વહાલ વરસાવ્યું છે. જેમાં ગઈકાલે વધુ અઢી ઈંચ (60 મી.મી.) પાણી પડી ગયું હતું. કલ્યાણપુર તાલુકાના ભાટિયા, લાંબા, રાજપરા, ભોગાત સહિતના ગામોમાં ભારે વરસાદના પગલે ઠેર ઠેર પૂર જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.
આ સાથે દ્વારકામાં ગઈકાલે બુધવારે પણ ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસતા આ વિસ્તારના દરિયાકાંઠે ત્રણ નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. જગત મંદિરે પણ સાવચેતીના ભાગરૂૂપે વૈકલ્પિક જગ્યાએ ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. ભાણવડ તાલુકામાં કાચા સોના જેવો પોણા બે ઈંચ (41 મી.મી.) વરસાદ નોંધાયો છે. જ્યારે ખંભાળિયામાં માત્ર હળવા ઝાપટા રૂૂપે 14 મી.મી. પાણી વરસ્યું હતું. સાર્વત્રિક મુશળધાર વરસાદના પગલે જળ સ્ત્રોતોમાં નવા નીરની નોંધપાત્ર આવક થવા પામી છે. આ સાથે મોસમનો કુલ વરસાદ કલ્યાણપુરમાં સાડા 40 ઈંચ (1015 મી.મી.), દ્વારકામાં 30 ઈંચ (755 મી.મી.), ભાણવડ તાલુકામાં સવા 19 ઈંચ (484 મી.મી.) અને ખંભાળિયા તાલુકામાં 17 ઈંચ (430 મી.મી.) વરસાદ સાથે જિલ્લામાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 27 ઈંચ (671 મી.મી.) થવા પામ્યો છે.
છેલ્લા બે-ત્રણ દિવસના વરસાદના પગલે ખંભાળિયા શહેરને પાણી પૂરું પાડતાં ઘી ડેમમાં આશરે દોઢ ફૂટ જેટલું નવું પાણી આવ્યું છે અને 20 ફૂટના આ ડેમની સપાટી 16 ફૂટ સુધી પહોંચવા આવી છે. ડેમમાં આશરે 60 ટકા જેટલો પાણીનો જથ્થો સંગ્રહિત થઈ ચૂક્યો છે. આજે સવારે ખંભાળિયામાં ઉઘાડ વચ્ચે સૂર્યનારાયણના દર્શન થયા હતા. જિલ્લાના અન્ય વિસ્તારો કરતા ખંભાળિયા તાલુકામાં વરસાદની નોંધપાત્ર ઘટ પ્રવર્તી રહી છે. કલ્યાણપુર તાલુકાના ભોગાત ગામ પાસે એક બિલ્ડિંગમાં બુધવારના ભારે વરસાદના પગલે ચારેય તરફથી પાણી આવી જતા તેમાં 17 જેટલા સ્ત્રી, પુરુષ અને બાળકો ફસાઈ ગયા હતા. જે અંગેની જાણ ખંભાળિયા ફાયર સ્ટાફના અધિકારી મીતરાજસિંહ પરમારને કરવામાં આવતા ફાયર ટીમ દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને બોટ મારફતે આ તમામ 17 લોકોનું રેસ્ક્યુ કરીને સલામત જગ્યાએ ખસેડવામાં આવ્યા હતા. વરસાદના આંકડા ગઈકાલે બપોરે 12 વાગ્યાથી આજે સવારે 8 વાગ્યા સુધીના છે.
