ગુજરાતમાં અષાઢી બીજના પવિત્ર અવસરે મેઘરાજાએ ફરી એકવાર જોરદાર એન્ટ્રી કરી છે. રાજ્યમાં એકસાથે ચાર મહત્વપૂર્ણ વેધર સિસ્ટમ સક્રિય થતાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂૂ થયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 118 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો, જ્યારે આજે વહેલી સવારથી બપોરે બે વાગ્યા સુધીમાં 46 તાલુકામાં ઝાપટાથી માંડી બે ઇંચ જેવો વરસાદ નોંધાયો છે. લાંબા વિરામ બાદ જૂનાગઢ, ગીર સોમનાથ, સુરત, નવસારી અને પાટણ સહિતના વિસ્તારોમાં વરસાદ શરૂૂ થતાં લોકોને ગરમી અને બફારાથી રાહત મળી છે. બીજી તરફ, ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
જૂનાગઢ જિલ્લાના કેશોદ અને વંથલી સહિતના વિસ્તારોમાં સવારથી જ વરસાદી માહોલ જામ્યો હતો. ગીર સોમનાથ જિલ્લાના ઉના, તાલાલા તેમજ જાવંત્રી, પાણીકોઠા, વડાલા જેવા ગામોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. લાંબા વિરામ બાદ પડેલા વરસાદથી સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ છે અને ખેતી માટે અનુકૂળ પરિસ્થિતિ સર્જાઈ છે.
પાટણ જિલ્લામાં છેલ્લા બે સપ્તાહથી વરસાદની રાહ જોવાઈ રહી હતી. ગત મધરાત્રિ બાદ વરસાદ શરૂૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. પાટણ શહેરમાં 17 મિમી, સરસ્વતી તાલુકામાં 25 મિમી, સમીમાં 4 મિમી, હારીજમાં 2 મિમી અને ચાણસ્મામાં 1 મિમી વરસાદ નોંધાયો હતો. વરસાદથી પાકને પણ રાહત મળી છે.ખેડા જિલ્લામાં તેમજ નેશનલ હાઈવે-48 પર ભારે વરસાદને કારણે વાહનચાલકોને ઓછી વિઝિબિલિટીનો સામનો કરવો પડ્યો હતો. અરવલ્લીના મોડાસા અને માલપુર વિસ્તારોમાં પણ વરસાદથી ખેડૂતોને મોટી રાહત મળી છે.
અમરેલી જિલ્લાના વાતાવરણમાં મોટો પલટો આવ્યો હતો અને અસહ્ય બફારા બાદ શહેરમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો, જેના કારણે રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા. અમરેલીના વડીયા, વડેરા, રંગપુર સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારો અને બગસરા પંથકમાં પણ વરસાદી ઝાપટાં પડ્યા હતા. બીજી તરફ સુરેન્દ્રનગરના સાયલમાં લાંબા વિરામ બાદ વરસાદી ઝાપટાં શરૂૂ થતાં પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી હતી તેવા સમયે ખેડૂતોને મોટી રાહત મળી છે અને તેમનામાં નવી આશાનો સંચાર થયો છે.
સૌરાષ્ટ્રની સાથે-સાથે કચ્છના રાપરમાં પણ મેઘરાજાની મહેર જોવા મળી છે, જ્યાં સવારથી જ સતત વરસાદી ઝાપટાં શરૂૂ રહેતા બપોરે બે વાગ્યા સુધીમાં 46 તાલુકામાં વરસાદ નોંધાયો છે. રાપર શહેરના બજારોમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા. આ સમગ્ર પંથકોમાં લાંબા સમયથી પ્રવર્તતા ભારે અસહ્ય ઉકળાટ અને ગરમી બાદ મેઘરાજાનું આગમન થતાં સમગ્ર વાતાવરણમાં મધુર ઠંડક પ્રસરી ગઈ છે અને જનજીવનને ગરમીથી મોટી રાહત મળી છે.
રાજકોટમાં અષાઢી બીજે ઝાપટાનું શુકન
રાજકોટમાં સાંબેલાધારે મેઘકૃપા વરસી પડે તેવી શહેરીજનોની આતુરતા વચ્ચે મેઘરાજા મનમુકીને વરસવાનું નામ લેતા નથી. ગઇકાલે માત્ર એક જ ઝાપટ પડ્યુ હતુ. અને આજે બીજા દિવસે અષાઢી બીજના પાવન પર્વનું જાણે સુકન સાચવવા માટે જ મેઘરાજાએ દર્શન દીધા હોય તેમ બપોરે 12 વાગ્યા પછી ધુંપછાંવ વચ્ચે હળવાથી ભારે ઝાપટાં જ વરસ્યા હતા. ચોમાસુ સતાવાર શરૂૂ થઇ ગયાને આજે એક મહિનો થઇ ગયો છે એમછતા સિઝનનો વરસાદ હજુ ત્રણ ઇંચે પણ પહોંચ્યો નથી. શહેરીજનો મેઘરાજાના અપાર હેતથી ભીંજાવા આતુર છે. શહેરના જળાશયો એક જ દિવસમાં ઓવરફ્લો થઇ જાય તેવા ધોધમાર વરસાદની ઝંખના વચ્ચે મેઘરાજા કંજુસાઇપુર્વક હેત વરસાવી રહ્યા છે. જો કે સિઝનનો પ્રથમ સારો કહી શકાય તેવો વરસાદ તો હજુ પડ્યો જ નથી. દરમિયાન અષાઢી બીજે મેઘરાજા અચુક હાજરી આપે જ એવી એક માન્યતા વચ્ચે આજે રાજકોટમાં મેઘરાજાએ દર્શન તો દીધા હતા પરંતુ માત્ર પ્રસાદી આપવા માટે જ પધાર્યા હોય તેમ બપોર પછી દસ-દસ મિનિટના ઝાપટાં જ વરસ્યા હતા.
