માણાવદર સિટી વિસ્તારમાં સોમવારથી વહીવટી તંત્ર દ્વારા મેગા દબાણ હટાવ ઝુંબેશ

માણાવદર શહેરમાં ચોમાસાની ઋતુ પૂર્વે જળબંબાકારની સ્થિતિ નિવારવા અને ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે વહીવટી તંત્ર દ્વારા મુખ્ય રસ્તાઓ પરથી દબાણો દૂર કરવાની મેગા ઝુંબેશ…

માણાવદર શહેરમાં ચોમાસાની ઋતુ પૂર્વે જળબંબાકારની સ્થિતિ નિવારવા અને ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે વહીવટી તંત્ર દ્વારા મુખ્ય રસ્તાઓ પરથી દબાણો દૂર કરવાની મેગા ઝુંબેશ શરૂૂ કરવામાં આવી છે. માણાવદરના મામલતદાર મહેશ શુક્લાના માર્ગદર્શન હેઠળ ગત રોજથી શરૂૂ થયેલી આ કામગીરી આજે પણ મોડી સાંજ સુધી અવિરતપણે ચાલુ રહી હતી. હાલમાં બાંટવા રોડ પર PGVCL ઓફિસની આસપાસના વિસ્તારોમાંથી દબાણો હટાવવામાં આવી રહ્યા છે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ વિસ્તારોમાં ગેરકાયદેસર દબાણોના કારણે ગત વર્ષે પાછળની સોસાયટીઓમાં વ્યાપક પ્રમાણમાં પાણી ભરાવવાની સમસ્યા સર્જાઈ હતી, જે અંગે સ્થાનિકો દ્વારા લેખિત રજૂઆતો પણ કરવામાં આવી હતી. આ દબાણો દૂર થતાં જ પાણીના નિકાલનો વર્ષો જૂનો પ્રશ્ન હલ થશે અને સ્થાનિકોને મોટી રાહત મળશે. શનિવાર અને રવિવારની રજા બાદ, આગામી સોમવારે સવારે 9:00 વાગ્યાથી સિટી વિસ્તારના અન્ય ભાગોમાં જ્યાં અગાઉ નોટિસો આપવામાં આવી ચૂકી છે, ત્યાં વહીવટી તંત્ર દ્વારા કડક હાથે દબાણ હટાવવાની કામગીરી ફરી શરૂૂ કરવામાં આવશે.

મામલતદારે જણાવ્યું હતું કે આ કામગીરીમાં સ્થાનિક નાગરિકો અને વેપારીઓ તરફથી સારો સહકાર મળી રહ્યો છે. વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે જેમને નોટિસ મળી છે તેઓ સોમવાર પહેલા શનિ-રવિની રજા દરમિયાન પોતાની જાતે જ દબાણો દૂર કરી લે, જેથી તેમની રોજગારીને આર્થિક નુકસાન ન થાય અને તંત્રને પણ કામગીરીમાં સરળતા રહે. માણાવદર શહેરના વિકાસ અને પ્રગતિ માટે તમામ નાગરિકો આ સરકારી કામગીરીમાં સહયોગ આપે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *