સોમનાથ કોરીડોર માટે મેગા ઓપરેશન, 72 બાંધકામો તોડી પડાયા

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરના ભવ્ય કોરિડોર પ્રોજેક્ટને સાકાર કરવાની દિશામાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મેગા કામગીરી હાથ ધરવામાં આવી છે. મંદિર આસપાસ કોરિડોર પ્રોજેક્ટ…

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરના ભવ્ય કોરિડોર પ્રોજેક્ટને સાકાર કરવાની દિશામાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મેગા કામગીરી હાથ ધરવામાં આવી છે. મંદિર આસપાસ કોરિડોર પ્રોજેક્ટ માટે સંપાદિત કરવામાં આવેલી 72થી વધુ હોટલો અને રહેણાક મકાનો સહિતની મિલકતોની ઇમારતો જમીનદોસ્ત કરવાની કામગીરી શરૂૂ કરવામાં આવી છે. સવારથી જ ભારે મશીનરી સાથે શરૂૂ થયેલી આ કાર્યવાહીને પગલે સમગ્ર વિસ્તારમાં તંત્રની કવાયત જોવા મળી હતી.

કોરિડોર પ્રોજેક્ટ માટે સરકારે મિલકતધારકો પાસેથી બજારભાવે મિલકતો ખરીદી લીધી છે. આ અંતર્ગત અંદાજે 27 હજાર ચોરસ મીટર જમીન સંપાદિત કરવામાં આવી છે. હવે સરકારની માલિકીની બનેલી આ જમીન પર આવેલી ઇમારતો ઉતારી જગ્યા ખુલ્લી કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ માટે ચાર હિટાચી મશીન, 10 જેટલા જેસીબી અને 50 જેટલા ટ્રેક્ટરો સહિતની મશીનરી તૈનાત કરવામાં આવી છે.

હિટાચી અને જેસીબી દ્વારા ઇમારતો તોડવામાં આવી રહી છે, જ્યારે ટ્રેક્ટરોની મદદથી કાટમાળ હટાવી જમીન ખુલ્લી કરવામાં આવી રહી છે. વિશાળ પાયે ચાલી રહેલી આ કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પોલીસ જવાનોની હાજરી વચ્ચે તંત્ર દ્વારા ઇમારતો ઉતારવાની અને કાટમાળ દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે.

આ અંગે વેરાવળના પ્રાંત અધિકારી જૈમીન કાકડીયાએ જણાવ્યું હતું કે, સોમનાથ કોરિડોર પ્રોજેક્ટ અંતર્ગત સરકાર દ્વારા ખરીદવામાં આવેલી અને સંપાદિત કરાયેલી મિલકતોની ઇમારતો ઉતારી જમીન ખુલ્લી કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તંત્રની આ મેગા કામગીરી પૂર્ણ થયા બાદ સોમનાથ મંદિર આસપાસના વિસ્તારનું નવું સ્વરૂૂપ જોવા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *