બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ટાટમ ગામે આવેલા બાયો ગેસ પ્લાન્ટમાં બ્લાસ્ટની ઘટના બનતાં એક શ્રમિક ઈજાગ્રસ્ત થયો હોવાની ઘટના સામે આવી છે. પ્લાન્ટમાં થયેલા બ્લાસ્ટનો અવાજ નજીકનાં ગામો સુધી સંભળાતાં આસપાસના વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.
ઘટનાને પગલે તંત્ર અને પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ઈજાગ્રસ્ત શ્રમિકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પ્રાપ્ત માહિતી મુજબ, ટાટમ ગામમાં આવેલા બાયો ગેસ પ્લાન્ટમાં અચાનક બ્લાસ્ટ થતાં આ ઘટના બની હતી. બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે તેનો અવાજ નજીકનાં ગામો સુધી સંભળાયો હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક સ્તરે દોડધામ મચી હતી.
જોકે, બ્લાસ્ટ કઈ ચોક્કસ પરિસ્થિતિમાં થયો અને તેના કારણે પ્લાન્ટને કેટલું નુકસાન થયું છે તે અંગેની વિગતો તપાસ બાદ જ સ્પષ્ટ થઈ શકશે.ઘટનાની જાણ થતાં ગઢડા તાલુકાના વિસ્તરણ અધિકારી હરદેવસિંહ ગોહિલ તથા પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. અધિકારીઓ દ્વારા ઘટનાસ્થળની પરિસ્થિતિની જાણકારી મેળવી આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી. પ્લાન્ટમાં બ્લાસ્ટ થવા પાછળનું કારણ જાણવા તેમજ ટેન્કની સ્થિતિ અને સંબંધિત ટેકનિકલ પાસાંઓની ચકાસણી કરવા માટે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.આ સમગ્ર ઘટના અંગે ગઢડા તાલુકાના વિસ્તરણ અધિકારી હરદેવસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, બાયો ગેસ પ્લાન્ટમાં કુલ ત્રણ ટેન્ક આવેલી છે. આ ત્રણ ટેન્ક પૈકી વચ્ચે આવેલી ટેન્કમાં તાપમાન વધી જતાં બ્લાસ્ટ થયો હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે.
