અશાંતધારાના નવા પરિપત્રમાંથી અનેક સરવે નંબરો ગાયબ !

જૂના અને નવા પરિપત્ર બાદ સર્જાયેલ વહીવટી ગૂંચ અંગે સરકાર દ્વારા સ્પષ્ટતા નહીં થતાં 200 જેટલી અરજીઓનો નિકાલ ઘોંચમાં રાજકોટમાં અશાંતધારાની પેન્ડીંગ અરજીઓના સમયસર નિકાલ…

જૂના અને નવા પરિપત્ર બાદ સર્જાયેલ વહીવટી ગૂંચ અંગે સરકાર દ્વારા સ્પષ્ટતા નહીં થતાં 200 જેટલી અરજીઓનો નિકાલ ઘોંચમાં

રાજકોટમાં અશાંતધારાની પેન્ડીંગ અરજીઓના સમયસર નિકાલ અને રિન્યુ કરાયેલ અશાંતધારાના પરિપત્રમાં અનેક સર્વે નંબર તથા સિટી સર્વે નંબર બાકાત રહી ગયાની રજૂઆત સાથે રાજકોટ રેવન્યુ બાર એસો.એ આજે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું.

શહેરમાં વર્ષ 2021માં પાંચ વર્ષ માટે અશાંત ધારો લાગુ કરવામાં આવ્યા બાદ જાન્યુઆરી-2026માં અશાંતધારો રિન્યુ કરવામાં આવેલ છે. પરંતુ જુના પરિપત્રમાં જે સર્વે નંબરોનો સમાવેશ થતો હતો તે પૈકીના કેટલાક સર્વે નંબરો નવા પરિપત્રમાંથી ગાયબ થઈ જતાં વહીવટી ગુંચવાડો સર્જાયો છે અને અનેક અરજીનો નિકાલ અટકી પડયો છે.

આવેદનપત્રમાં જણાવ્યું છે કે, આ પરિસ્થિતિના કારણે અશાંત ધારાની પરવાનગી માટેની અરજીઓમાં ગંભીર વહીવટી વિલંબ સર્જાયેલ છે. હાલ અંદાજે 150 થી 200 જેટલી અરજીઓ ઓર્ડર વિના પેન્ડીંગ હોવાનું જાણવા મળે છે. પ્રાંત કચેરી ખાતે રજૂઆત કરતાં જણાવવામાં આવે છે કે સરકાર તરફથી રહી ગયેલ સર્વે નંબરો અંગે સ્પષ્ટ માર્ગદર્શન પ્રાપ્ત થયા બાદ જ ઓર્ડર કરવામાં આવશે. નવા નોટિફીકેશનને અનેક દિવસો વીતી ગયેલ હોવા છતાં આજદિન સુધી સરકાર દ્વારા સ્પષ્ટતા બહાર પડેલ નથી, જેના કારણે વર્ષ 2025ની જુની અરજીઓ પણ પેન્ડીંગ છે.

અશાંત ધારાનો ઓર્ડર થયા વિના દસ્તાવેજ નોંધણી શકય નથી. પરિણામે પક્ષકારોને ભારે આર્થિક અને વ્યવહારૂ મુશ્કેલીઓ ભોગવવી પડે છે. ઘણા પક્ષકારો વિદેશ અથવા બહારગામથી આવતાં હોવાથી મુસાફરી ખર્ચ અને સમય બગડે છે. કેટલાક કેસોમાં હોમ લોન મંજુર થયેલ હોવા છતાં ઓર્ડર વિલંબિત થતાં ટ્રાન્ઝેકશન અટકી જાય છે, જેના કારણે નાગરિકોમાં અસંતોષ અને ગેરસમજ ઉભી થાય છે. વહીવટી વિલંબના કારણે કાયદેસર ટ્રાન્ઝેકશન અવરોધિત થવું ન્યાયસંગત નથી. રેવન્યુ બાર એસોસીએશને જાન્યુઆરી-2026ના નોટિફીકેશનમાં રહી ગયેલ રેવન્યુ સર્વે નંબર/સીટી સર્વે નંબર અંગે તાત્કાલીક સ્પષ્ટતા કરવા પેન્ડીંગ અરજીઓમાં વહેલી તકે ઓર્ડર કરવાની સુચના સંબંધિત કચેરીને આપવા અને ભવિષ્યમાં આવી પરિસ્થિતિ ટળે તે માટે યોગ્ય વહીવટી માર્ગદર્શન આપવા રજૂઆત કરી છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *