પ્રથમ મેચમાં હાર છતાંય બીજી મેચમાં પણ ન આપી તક
આયર્લેન્ડ સામેની ટી20 સીરીઝની પહેલી મેચમાં વૈભવ સૂર્યવંશીને પ્લેઈંગ 11 માં જગ્યા મળશે, એવું માનવામાં આવતું હતું. પરંતુ કોચ અને કેપ્ટને પહેલાથી જ પર્ફોર્મ કરતા આવી રહેલા ખેલાડીઓ પર ભરોસો મૂક્યો. પહેલા મુકાબલામાં ભારતની કારમી હાર પછી એ સાફ હતું કે પ્લેઈંગ 11 માં ફેરફાર થશે, જેથી આશા જાગી કે વૈભવને રમાડવામાં આવી શકે છે. બીજી મેચમાં ભારતના 2 ખેલાડીઓનું ડેબ્યૂ થયું, પરંતુ હેરાન કરનારી વાત એ હતી કે તેમાં વૈભવ નહોતો જ્યારે આખી સીરીઝમાં તેનો જ ક્રેઝ સૌથી વધુ હતો. આ પછી ટીમ ઈન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીર પર મોટા સવાલો ઊભા થઈ ગયા છે.
બધા એ જ સવાલ પૂછી રહ્યા છે કે આખરે વૈભવની રાહમાં અડચણ કોણ છે?સૌથી મોટો સવાલ એ છે કે જ્યારે તમે જોયું કે પહેલી મેચમાં તમારા ટોપ ઓર્ડરના બેટ્સમેન ફ્લોપ રહ્યા, તો પછી વૈભવને બીજી મેચમાં તક કેમ ન આપવામાં આવી. કારણ કે દિગ્ગજોથી લઈને લોકોની પણ માંગ આ જ છે, જો તેમને રમાડીને તમે હાર્યા પણ હોત તો તમારે આલોચનાનો ભોગ બનવું પડત નહીં.જો તમે તમારા જૂના ખેલાડીઓને સતત તક આપવા માંગતા હોવ તો પછી આ દ્રષ્ટિએ પ્રસિદ્ધ ક્રિષ્ના અને વોશિંગ્ટન સુંદરને કેમ ડ્રોપ કરવામાં આવ્યા.
કારણ કે પહેલી મેચમાં માત્ર આ બંનેની ભૂલથી તો આપણે મેચ નહોતા હાર્યા. વૈભવ સૂર્યવંશીને લઈને તમે એવું ઈચ્છો છો કે પહેલી સીઝનમાં તેને માત્ર ટીમ સાથે સેટ થવા દેવામાં આવે, મેદાન પર ન ઉતારવામાં આવે તો પછી આ વાત તો સૂર્યાંશ શેડગે પર પણ લાગુ થાય છે. તેની પણ આ નેશનલ ટીમ સાથે પહેલી જ સીઝન હતી.સૂર્યાંશ શેડગે જમણા હાથનો બેટ્સમેન છે, જેને તમે વોશિંગ્ટન સુંદરની જગ્યાએ રમાડ્યો. તેનો પ્લસ પોઈન્ટ માત્ર એટલો જ હતો કે તે બોલિંગ કરી શકે છે, પરંતુ આપણે જોયું કે તે પોતાની 2 ઓવરોમાં મોંઘો સાબિત થયો. જોયું જાય તો પહેલી મેચમાં પણ ટાર્ગેટ કંઈ બહુ મોટો નહોતો, હાર બેટ્સમેનોના કારણે થઈ હતી. જો તમે વોશિંગ્ટનને હટાવીને કોઈ બીજાને લાવવા માંગતા હતા તો તે વૈભવ સૂર્યવંશી કેમ ન હોઈ શકે.
