રાજકોટ મહાનગરપાલિકાની આવાસ યોજના વિભાગ દ્વારા ઊઉઙ શાખાના સહયોગથી આવાસ યોજનાના અરજદારોની ચકાસણી વધુ સરળ, ઝડપી અને પારદર્શક બને તે હેતુથી એક વિશેષ સોફ્ટવેર વિકસાવવામાં આવ્યું છે. આ સોફ્ટવેરની મદદથી અરજદારનો આધારકાર્ડ નંબર અને/અથવા ચૂંટણીકાર્ડ નંબર દાખલ કરીને સંબંધિત અરજદારે અગાઉ રાજકોટ મહાનગરપાલિકા પાસેથી આવાસ મેળવ્યો છે કે નહીં તેની માહિતી મેળવી શકાશે. હાલ આ સોફ્ટવેર પ્રારંભિક તબક્કામાં છે અને તેમાં હજુ વધુ પ્રમાણમાં ડેટા ફીડ કરવાનો બાકી છે. તેમ છતાં, ફોર્મ-ચેકિંગની કામગીરી તેમજ કોઈ લાભાર્થીએ એકથી વધુ આવાસ મેળવ્યા હોવાની ફરિયાદોની તપાસમાં આ સોફ્ટવેર ઉપયોગી સાબિત થઈ રહ્યું છે.
આ સોફ્ટવેરના ઉપયોગથી અત્યાર સુધીમાં 11 એવા અરજદારોની ઓળખ કરવામાં આવી છે કે જેમણે પોતાના નામે બે આવાસ મેળવ્યા હોવાનું ધ્યાને આવ્યું છે. આવા અરજદારો સામે નિયમોનુસાર આગળની કાર્યવાહી કરવામાં આવશે.
સોફ્ટવેરમાં એવી વ્યવસ્થા કરવામાં આવી છે કે, જો કોઈ અરજદારના આધારકાર્ડ નંબર અથવા ચૂંટણીકાર્ડ નંબરની ડુપ્લીકેટ એન્ટ્રી જોવા મળે તો તુરંત રેડ-ફ્લેગ અલર્ટ જનરેટ થાય છે. સાથે જ આવા ડુપ્લીકેટ રેકોર્ડની અલગ એક્સેલ-શીટ પણ આપમેળે જનરેટ થઈ શકે છે. જેના પરિણામે એક જ અરજદારે બે આવાસ મેળવ્યા હોય તેવી સંભાવના ધરાવતા કેસો ત્વરિત ધ્યાને આવી શકે છે.આ ઉપરાંત, સોફ્ટવેરને વધુ અસરકારક બનાવવા માટે આગામી તબક્કામાં તેમાં વધુ એક મહત્વપૂર્ણ સુવિધા ઉમેરવાનું આયોજન છે.
જેમાં લાભાર્થીના પ્રથમ નામ, મધ્ય નામ અને અટક પૈકી કોઈપણ બે નામ સમાન જણાય તો પણ રેડ-ફ્લેગ અલર્ટ જનરેટ થશે અને આવા કેસોની અલગ એક્સેલ-શીટ તૈયાર થશે. આ વ્યવસ્થાથી પતિ-પત્ની બંનેના નામે અલગ-અલગ આવાસ ફાળવાયા હોય તેવી સંભાવના ધરાવતા કેસોની પણ વધુ સરળતાથી ઓળખ કરી શકાશે.
હાલમાં આ સોફ્ટવેરના રાઈટ્સ આવાસ યોજના વિભાગના તમામ કર્મચારીઓ તેમજ ફોર્મ-ચેકિંગની કામગીરી સાથે સંકળાયેલા તમામ અધિકારીઓને આપવામાં આવ્યા છે. સોફ્ટવેરમાં પૂરતા પ્રમાણમાં ડેટા ફીડ થઈ ગયા બાદ તેના રાઈટ્સ રાજકોટ મહાનગરપાલિકાના તમામ અધિકારીઓ અને કર્મચારીઓને આપવાનું આયોજન છે.
