માણાવદરના ધારાસભ્યએ યુવકને ગાળો ભાંડી માર માર્યો

માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીનો બેફામ વાણીવિલાસ અને દાદાગીરી કરતો એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાઇરલ થયો છે, જેને લઈને સમગ્ર પંથકમાં ચકચાર મચી…

માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીનો બેફામ વાણીવિલાસ અને દાદાગીરી કરતો એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાઇરલ થયો છે, જેને લઈને સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ વાઇરલ વીડિયોમાં ધારાસભ્ય બાઈક પર આવેલા એક પાટીદાર યુવક પર હુમલો કરતા અને તેને મા-બહેન સામે ભૂંડી ગાળો ભાંડીને જાનથી મારી નાખવાની ધમકી આપતા સ્પષ્ટપણે જોવા મળી રહ્યા છે. માણાવદરના આ યુવકે સમગ્ર ઘટના પોતાના મોબાઈલ ફોનમાં કેદ કરી લીધી હતી.

આ સમગ્ર વિવાદ પાછળનું કારણ એવું સામે આવ્યું છે કે, નવરાત્રિ દરમિયાન આ યુવકે ’ગોધરીયો’ નામના શબ્દનો ઉપયોગ કર્યો હતો. આ બાબતનો ખાર રાખીને ધારાસભ્ય અરવિંદ લાડાણીએ યુવકને આંતરીને તેના પર હુમલો કર્યો હતો. વીડિયોમાં ધારાસભ્ય યુવકને ’તારા બાપની ગરબી છે?’ તેમ કહીને માર મારતા અને બેફામ શબ્દો બોલતા સંભળાય છે. આટલું જ નહીં, ધારાસભ્યએ ઉશ્કેરાઈને યુવકને એમ પણ કહ્યું હતું કે તારો ધંધો મૂકીને માણાવદરમાંથી નીકળી જજે, તેમજ “તારા હોય એટલા લાવજે, તને કોઈપણની હવા હોય તો કાઢી નાખજે” તેવી ખુલ્લી ધમકી પણ આપી હતી.

આ સમગ્ર મામલે અરવિંદ લાડાણીએ જણાવ્યું હતું કે, આ યુવક મારા વિરુદ્ધ ઘણા અપશબ્દો બોલતો હતો અને મારા વિરોધની વાતો કરતો હતો, જેના કારણે આ ચર્ચા અને ઝઘડો થયો હતો.

માણાવદરના પાટીદાર યુવક મનીષ ઝાલાવાડીએ જણાવ્યું હતું કે, અમે દર વર્ષે માં ઉમા ખોડલ નવરાત્રિ મહોત્સવ કરીએ છીએ. તે દરમિયાન અરવિંદભાઈએ અન્ય સમાજની નવરાત્રિમાં 25,000 રૂૂપિયાનો ફાળો લખાવ્યો હતો, તેનો વીડિયો અન્ય સમાજવાળાએ અમને મોકલ્યો અને અમે અમારા નવરાત્રિના ગ્રુપમાં મૂક્યો હતો. એનો ખાર રાખીને અરવિંદભાઈએ મને બેફામ ગાળો આપી હતી અને તમે કોઈ ગમતા નથી તેવું કહી મારા પર હુમલો કરવાની સ્થિતિ ઊભી કરી હતી. સમાધાન માટે પાટીદાર આગેવાનોને મોકલ્યા છતાં અરવિંદભાઈએ ના પાડી.

ગઇકાલે બપોરે મારા હુમલો કરી મને મા-બહેન સામે ભૂંડી ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી અને માણાવદરનો ધંધો બંધ કરી જવાની ધમકી મળતા મેં અડધા ભાવે માલ વેચી નાખ્યો છે અને હવે અમે જૂનાગઢ તરફ જઈશું. ધારાસભ્યના ત્રાસના કારણે હવે અમારે હિજરત કરવાનો વારો આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *