આચાર્ય મહામંડલેશ્ર્વર જૂના પીઠાધીશ્ર્વર સ્વામી અવધેશાનંદગીરી, બ્રહ્મેશાનંદજી મહારાજ, કૃષ્ણમણીજી મહારાજ, દ્વારકેશ બાવાશ્રી, જ્ઞાનાનંદજી મહારાજ, નિર્મલાનંદજી મહારાજ, માધવ પ્રિયદાસજીની રામકથામા વિશેષ ઉપસ્થિતિ: સદ્ભાવના કામગીરીને બિરદાવતા સંતો-મહંતો
સંત મિલન કો જાઈએ, તજ માન મોહ અભિમાન,જ્યોં જ્યોં પાંવ આગે ધરે, કોટિ યજ્ઞ સમાન.
આનો અર્થ એવો થાય કે માન, મોહ, અભિમાન વગેરેનો ત્યાગ કરીને સંતના મિલન માટે જવું કેમ કે જેમ જેમ તેમની સાથે શાસ્ત્રોની ચર્ચા કરતાં જઈએ તેમ તેમ આપણને કરોડો યજ્ઞો કર્યાનું ફળ પ્રાપ્ત થાય છે. આવો જ એક સંત મિલન (ડો.) પરમાત્માનંદ સરસ્વતીના જન્મ દિવસે માનસ સદભાવના રામકથામાં આજે યોજાઈ ગયું જેમાં આચાર્ય મહામંડલેશ્વર જૂના પીઠાધિશ્વર સ્વામી અવધેશાનંદ ગિરિજી, જગદગુરુ સ્વામી ડો. નિર્મલાનંદ નાથજી મહારાજ, ગીતામનીષી મહામંડલેશ્વર જ્ઞાનાનંદજી મહારાજ, ગોવાથી પદ્મશ્રી પદ્મનાભ પીઠાધીશ્વર ધર્મ ભૂષણ સ્વામી બ્રહ્મેશાનંદજી મહારાજ, વૈષ્ણવોની કુલ આઠ પીઠ પૈકીનાં બીજી પીઠના વૈષણાવાચાર્ય દ્વિતીય ચંપારણીય પીઠાધીશ્વર વલ્લભકુળ તિલક દ્વારકેશ બાવાશ્રી તથા ષષ્ઠ પીઠાધીશ્વર શાસ્તા પીઠના વલ્લભકુળ તિલક દ્વારકેશ બાવાશ્રી, એસ.જી.વી.પી ગુરુકુળના અધ્યક્ષ શાસ્ત્રી માધવ પ્રિયદાસજી, કૃષ્ણ પ્રણામી સંપ્રદાય આચાર્ય કૃષણમણીજી મહારાજ,(ડો.) પરમાત્માનંદ સરસ્વતીજી, નૈસર્ગિકા દીદી ઉપસ્થિત રહ્યા હતા.
આચાર્ય મહામંડલેશ્વર જૂના પીઠાધિશ્વર સ્વામી અવધેશાનંદ ગિરિજીએ બીજરૂૂપ પ્રવચન આપતા કહ્યું કે વૃદ્ધો થકી આપણું અસ્તિત્વ હોય છે, વૃદ્ધો આપણાં આંગણાના દેવતા છે.
વૃદ્ધોના તિરસ્કારથી કોઈને સુખ નથી મળતું માટે વૃદ્ધોને હમેશા સન્માન આપવું. તેમણે એમ પણ કહ્યું કે વૃક્ષ પ્રથમ દેવતા છે. દસ પુત્રો સમાન એક પુત્રી પણ સો પુત્રી સમાન એક વૃક્ષ એવું શાસ્ત્રોમાં કહેવાયું છે.
તેમણે આજના ઉત્સવ નાયક સદભાવના વૃદ્ધાશ્રમના માર્ગદર્શક અને સંરક્ષક (ડો.) પરમાત્માનંદ સરસ્વતીજીના પ્રાગટ્ય દિનની શુભેચ્છા આપતા જણાવ્યું કે તેઓ ભારતની અદભૂત ઉર્જા છે. શીલ, સદાચાર અને સમર્પણ ભાવવાળા સન્યાસી છે. તેઓ ભારત માટે નિધિ સમાન છે. મોરારિબાપુ વિષે તેમણે કહ્યું કે તેઓ યુગ દ્રષ્ટા છે. સત્ય, પ્રેમ, કરુણાની ત્રિવેણી સમાન છે.
ગોવાથી પધારેલા પદ્મશ્રી પદ્મનાભ પીઠાધીશ્વર ધર્મ ભૂષણ સ્વામી બ્રહ્મેશાનંદજી મહારાજે સદભાવના વૃદ્ધાશ્રમની સેવાઓને માર્ગદશન આપી, વેદનો મંત્રી ટાંકી વૃદ્ધોની સેવાથી યશ, બળ અને આયુષ્ય વધે છે તેમ જણાવ્યું હતું. તેમણે સદભાવના વૃદ્ધાશ્રમની સેવાઓને વ્યાપક બનાવવા અને સૌ ને સાથે મળીને સેવા આપવા અપીલ કરી હતી. કૃષ્ણ પ્રણામી સંપ્રદાય આચાર્ય કૃષણમણીજી મહારાજે સૌ પ્રથમ સદભાવના વૃદ્ધાશ્રમના માર્ગદર્શક અને સંરક્ષક (ડો.) પરમાત્માનંદ સરસ્વતીજીના પ્રાગટ્ય દિનની શુભેચ્છા આપી હતી.
તેમણે પૂ. મોરારિ બાપુની રામકથા સમાજ જાગરણનું માધ્યમ બનતી હોવાનું જણાવ્યું હતું. પીઠાધીશ્વર શાસ્તા પીઠના વલ્લભકુળ તિલક દ્વારકેશ બાવાશ્રીએ જણાવ્યું હતું કે વેદ, વૃક્ષ, વૃદ્ધ આ સેવા સંકલ્પનો યજ્ઞ રામકથાના માધ્યમથી ચાલી રહ્યો છે. તેમાં આપણે સૌ સહભાગી બનીએ કારણ કે સંત એ ચાલતા વૃક્ષ છે અને વૃક્ષ એ બેઠેલા સંત છે. એક પ્રકારે આ સંત સેવા થઈ રહી છે.
દ્વિતીય ચંપારણીય પીઠાધીશ્વર વલ્લભકુળ તિલક દ્વારકેશ બાવાશ્રીએ (ડો.) પરમાત્માનંદ સરસ્વતીજીના 72માં પ્રાગટ્ય દિનની શુભેચ્છા પાઠવી એવું જણાવ્યું હતું કે તેમણે સનાતન ધર્મના એક છત્ર નીચે વિવિધ સંપ્રદાયોને એક કરવાનું મહત્વનું કામ કર્યું છે.
સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા વૃક્ષારોપણ અભિયાન અંતર્ગત સમગ્ર દેશમાં 151 કરોડ વૃક્ષો વાવી અને ચાર વર્ષ સુધી તેનો ઉછેર કરવાનો જે સંકલ્પ કર્યો છે એ પર્યાવરણનું ભગીરથ કાર્ય છે. ગીતામનીષી મહામંડલેશ્વર જ્ઞાનાનંદજી મહારાજે રામકથાને સેવાનું અનુષ્ઠાન ગણાવી માર્ગશિર્ષ મહિનામાં ભગવદીય વિભૂતિઓ જે અનુષ્ઠાન કરે છે તેવું આ અનુષ્ઠાન સદભાવના વૃદ્ધાશ્રમનું થઈ રહ્યું છે.
આ તકે જગદગુરુ સ્વામી ડો. નિર્મલાનંદ નાથજી મહારાજે ક્હ્યું કે વિજ્ઞાન માનવ હ્દયની નબળાઈ દૂર ન કરી શકે તે માત્ર ધર્મ જ કરી શકે. તેમણે ગ્લોબલ વોર્મિંગ સામે લાલ બત્તી ધરી અને સદભાવના દ્વારા જે વધુમાં વધુ વૃક્ષો વાવવાની પ્રવૃત્તિ થઈ રહી છે તેને વધાવી વૃદ્ધાશ્રમને વાનપ્રસ્થ આશ્રમ કહી નવા વૃદ્ધાશ્રમ માટે શુભેચ્છા પાઠવી.
એસ.જી.વી.પી ગુરુકુળના અધ્યક્ષ શાસ્ત્રી માધવ પ્રિયદાસજીએ જણાવ્યું કે પ્રયાગમાં કુંભની તૈયારી થઈ રહી છે. રાજકોટમાં તેના દર્શન થયા. પ્રયાગમાં ત્રિવેણી વહે છે. અહી સત્ય, પ્રેમ, કરુણાની ત્રિવેણી વહે છે.
સુરતમાં કિરણ હોસ્પિટલ સહિત વિવિધ ક્ષેત્રમાં માતબર યોગદાન આપનાર પદ્મશ્રી મથુરભાઈ સવાણીએ સદભાવના વૃદ્ધાશ્રમની સમગ્ર ટીમને અભિનંદન પાઠવવાની સાથે એવું જણાવ્યું હતું કે સદભાવના વૃદ્ધાશ્રમે વૃદ્ધાશ્રમ અને વૃક્ષારોપણ સહિતની સેવાઓમાં ચોકકસાઇ રાખવાનો એક નવો રસ્તો સમગ્ર દેશને બતાવ્યો છે. મોરારિબાપુ દેશના સર્વાંગી વિકાસના આ યજ્ઞમાં રામકથાના માધ્યમથી વ્યાપક સહયોગ આપી રહ્યા છે. આ તકે રાજકીય ક્ષેત્રના અગ્રણીઓ ડો. ભરતભાઇ બોઘરા, ગુજરાત સરકારના મંત્રીઓ કુંવરજીભાઈ બાવળિયા, રાઘવજીભાઈ પટેલ સહિતના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
મોરારિબાપુના ચૂંટેલા વચનો
ચોકલેટ નથી જોઈતી મારે મા જોઈએ છે આ તે કેવી મમતા.
પૃથ્વી અને આકાશ આપણા મા – બાપ છે.
રામકથામાં રામના અવતાર પહેલા રાવણના અવતારની કથા છે.
પ્રતિક્ષા કરો, પ્રભુ અવશ્ય આવશે.
રામ જેવું બાળક આ સંસારમાં જન્માવવું હોય તો પુરુષ તેની પત્નીને પ્રેમ આપે, પત્ની તેના પતિને સન્માન, આદર આપે અને પછી બંને સાથે મળીને તમે જેને માનતા હોય તે હરીને ભજો એટલે સારા સંતનો થશે.
એકબીજાને સાધન નહીં પણ સાધ્ય માનો તો દાંપત્ય જીવન સુંદર બનશે.
આવતા જન્મમાં પણ મારે કથા કરવી છે, આવતા જન્મની પહેલી કથા મારે કૈલાશમાં કરવી છે.
મારૂૂ સદભાગ્ય છે કે સૌ સંતો અહીં પધાર્યા
બધા ભેટ લઈ આવ્યા, મેં સ્વામીજી(પ. પૂ ડો. પરમાત્માનંદ સરસ્વતીજી)ને એક વૃક્ષ અર્પણ કર્યુ.
આ કથા એ બકવાસ (બગલાનો વાસ) નથી વાલ્મીકીનો વાસ છે.
કથા બકવાસ (બગલાનો વાસ) નથી, મુખવાસ છે, હંસવાસ છે, કોયલવાસ છે, કાગવાસ છે, આ કથા શુક્રવાસ છે.
જેના પુણ્ય ભાગ્યા જાગ્યા એ જ હરીગુણ ગાઈ શકશે.
રાજકોટને હુ ખુબજ સાધુવાદ આપુ છુ કે તમારી શ્રવણશકિત ખુબ જ આગળ વધી ગઈ.
તમે આટલી શાંતીથી સાંભળો છો, આ કવિયુગ નથી કથાયુગ છે.
રાજકોટ મારૂૂ સ્વર્ગ છે.
સદ્ભાવના વૃદ્ધાશ્રમને 1 રૂમનું અનુદાન આપતા કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ
ગુજરાતનાં કૃષિ અને પશુપાલન વિભાગના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા સદભાવના વૃધ્ધાશ્રમ માટે એક રૂૂમનુ અનુદાન આપ્યું છે.ગુજરાતનાં કૃષિ અને પશુપાલન વિભાગના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા સદભાવના વૃધ્ધાશ્રમને જામનગર રોડ, રામપર ખાતે નવા બની રહેલા વૃદ્ધાશ્રમ માટે એક રૂૂમનું અનુદાન આપ્યું છે.આ વૃધ્ધાશ્રમમાં નાત-જાત કે ધર્મના ભેદભાવ વિના નિ:સંતાન, નિસહાય, નિરાધાર વૃધ્ધોને, નિયમાનુસાર અને સંસ્થાની પ્રવેશ મર્યાદામાં, આદરભેર દાખલ કરી તમામ સુવિધાઓ વિનામુલ્યે આપવામાં આવે છે.