મહાત્મા ગાંધીએ જેમને રાષ્ટ્રીય શાયરના ગૌરવપૂર્ણ બિરૂૂદથી નવાજેલા તેવા સાહિત્યકાર, લોકસાહિત્યના સંશોધક, પત્રકાર અને સ્વાતંત્ર્ય-સેનાની ઝવેરચંદ મેઘાણીની પુણ્યસ્મૃતિમાં એમના વડવાઓના વતન બગસરા (જિ. અમરેલી) ખાતે 07થી 15 માર્ચ 2026 દરમિયાન વિશ્વવંદનીય મોરારિબાપુના મુખે દિવ્ય અને ભવ્ય માનસ મેઘાણી રામકથાનું આયોજન કરાયું છે. વિશ્વભરમાં વસતાં દરેક ગુજરાતીનું મન મોર બનીને થનગાટ કરતું હોય તેમ પ્રતિત થાય છે.
કથા દરમિયાન ઝવેરચંદ મેઘાણીની 79મી પુણ્યતિથિ – 09 માર્ચના રોજ છે તેથી આનું સવિશેષ મહત્વ છે. આ નિમિત્તે મોરારિબાપુની પાવન નિશ્રામાં મેઘાણી વંદના અંતર્ગત સ્વરાંજલિ તથા સ્મરણાંજલિનું વિશેષ આયોજન કરાયું છે.
ઝવેરચંદ મેઘાણીની 79મી પુણ્યતિથિની પૂર્વ-સંધ્યા 08 માર્ચ (રવિવાર)ના રોજ સાંજે 06થી રાત્રે 08 સુધી સ્વરાંજલિમાં ખ્યાતનામ કલાકારો અભેસિંહ રાઠોડ, ભારતીબેન વ્યાસ અને રાધાબેન વ્યાસ ઝવેરચંદ મેઘાણી રચિત-સંશોધિત-સંપાદિત ગીતો-લોકગીતો-ભજનોની રમઝટ બોલાવશે.
14 માર્ચ (શનિવાર)ના રોજ સાંજે 06થી રાત્રે 08 સુધી સ્મરણાંજલિમાં વિદ્વાન વક્તાઓ પરશોત્તમભાઈ રૂૂપાલા, વી. એસ. ગઢવી, કવિ વિનોદભાઈ જોશી, જ્વલંતભાઈ છાયા અને લલિતભાઈ ખંભાયતા દ્વારા ઝવેરચંદ મેઘાણીના જીવન અને કાર્ય વિશે માહિતીસભર અને રસપ્રદ સંગોષ્ઠી કરવામાં આવશે.
ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનના સ્થાપક પિનાકી નાનકભાઈ મેઘાણી દ્વારા આલેખિત ઝવેરચંદ મેઘાણીના જીવન અને કાર્યને નિરૂૂપતું અધિકૃત સચિત્ર પ્રદર્શનનું ઉદઘાટન મોરારિબાપુના વરદ-હસ્તે 07 માર્ચના રોજ કરવામાં આવશે. ગુર્જર સાહિત્ય પ્રકાશન (અમદાવાદ) દ્વારા સમગ્ર મેઘાણી-સાહિત્યનું પ્રદર્શન તથા 25% વિશેષ વળતરે વેચાણ કરવામાં આવશે. માનસ મેઘાણી રામકથાને સફળ બનાવવા અમરેલી જિલ્લાના લાઠીના મૂળ વતની અને અમેરિકા નિવાસી મનોરથી હર્ષાબા ગોહિલ પરિવાર તથા ભરતભાઈ ચાંદ્રાણી (જલારામ વીરપુર), ચિમનભાઈ વાઘેલા (મહુવા), લવકુભાઈ વાળા (હાલરીયા) અને સાથીઓ તેમજ પિનાકી મેઘાણી (અમદાવાદ), લોકગાયક અભેસિંહ રાઠોડ (ભરૂૂચ) અને વાલજીભાઈ પિત્રોડા (રાજકોટ) લાગણીથી પ્રેરાઈને જહેમત ઊઠાવી રહ્યાં છે.
