જામનગરમાં અનુસૂચિત જાતિ ની સગીરા પર થયેલા અત્યાચાર અને અપહરણ ના ચકચારી કેસ માં પોક્સો સ્પેશિયલ કોર્ટે આરોપી ને 20 વર્ષ ની જેલ સજા નો હુકમ કર્યો છે. જામનગરમાં થોડા સમય પહેલા એક સગીરા નુ અપહરણ, અત્યાચાર અને દુષ્કર્મ ના કેસ માં પોક્સો કોર્ટે મહત્વનો અને કડક ચુકાદો સંભળાવ્યો છે. કોર્ટે આ ગુનાના આરોપી ઇસ્માઇલ હસન માંડલિયા ને કસૂરવાર ઠેરવી ને 20 વર્ષ ની જેલની સજા ફટકારી છે.
આ કેસમાં મૂળ ફરિયાદીના તરફે વકીલ અમીત જે. પરમાર, રાહુલ જે. પરમાર, દિપક વી. ચૌહાણ, મહાવીર જે. દીક્ષિત, ઇસ્માલ માણેક તેમજ જ્યોતિબેન મૂછડીયા રોકાયા હતા.
જામનગરમાં શંકરટેકરી વિસ્તારમાંથી સગીરાને યુવક ભગાડી ગયાની ફરિયાદ
જામનગર શહેરના શંકર ટેકરી વિસ્તારમાં રહેતી સત્તર વર્ષની એક સગીરાના અપહરણની પોલીસ ફરિયાદ નોંધાવાતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. પરિવારજનો દ્વારા નજીકના વિસ્તારમાં રહેતા એક યુવક સામે સગીરાને ભગાડી જવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે, જેના આધારે સિટી સી ડિવિઝન પોલીસ દ્વારા ગુનો નોંધી સગીરા અને આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી છે. સગીરા છેલ્લા કેટલાક સમયથી નજીકના જ એક યુવકના સંપર્કમાં આવી ગઈ હોવાનું પરિવારજનોને જાણવા મળ્યું હતું. દરમિયાન સગીરા અચાનક ઘરેથી લાપતા બની જતાં પરિવારજનોમાં ભારે ચિંતા ફેલાઈ ગઈ હતી.
સગીરાના પિતાને થોડી મિનિટોમાં જાણ થઈ હતી કે યુવક સગીરાને લઈને પોતાના ઘર તરફ ગયો હોવાની શક્યતા છે. જેથી પરિવારજનો તાત્કાલિક ત્યાં પહોંચ્યા હતા, પરંતુ ત્યાંથી પણ સગીરાને પાછળના ભાગેથી ભગાડી દેવામાં આવી હોવાનું જાણવા મળતાં તેઓએ તરત જ જામનગરના સિટી સી ડિવિઝન પોલીસ મથકનો સંપર્ક સાધ્યો હતો.
ફરિયાદના આધારે પોલીસે સગીરાના અપહરણનો ગુનો નોંધી અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી છે.
મોબાઈલ ફોનની વિગતો, સંપર્કો તેમજ સંભવિત સ્થળોના આધારે પોલીસ દ્વારા આરોપીની શોધખોળ ચલાવવામાં આવી રહી હોવાનું જાણવા મળે છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ સગીરાને સલામત રીતે શોધી કાઢવા માટે વિશેષ ટીમોને કામે લગાડવામાં આવી છે અને સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ રાખવામાં આવી રહી છે.
