ઘટનાની વાત કોઈને કહેશે તો જાનથી મારી નાખવાની ધમકી આપતાં ભોગ બનનારે ફરિયાદ નોંધાવી’તી
નજરે જોનાર ભોગ બનનારના 15 વર્ષના પુત્રની જુબાની અને વકીલ દ્વારા કરાયેલી દલીલ માન્ય
પડધરીમાં રહેતી પરિણીતા ડોંડી નદીના કાંઠે કપડા ધોતી હતી ત્યારે એક શખ્સે પરિણીતા ઉપર બળજબરીથી દુષ્કર્મ આચર્યુ હતું જે કેસ ચાલવા પર આવતાં નજરે જોનાર ભોગ બનનારના 15 વર્ષના પુત્રની જુબાની અને વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલો ગ્રાહ્ય રાખી કોર્ટે દુષ્કર્મ કેસમાં આરોપીને આજીવન કેદની સજા ફટકારતો હુકમ કર્યો હતો.
પડધરીમાં રહેતી 35 વર્ષની પરિણીતા તા.29-1-2020ના રોજ પડધરી પાસે આવેલી ડોંડી નદીના કાંઠે કપડા ધોતી હતી ત્યારે પડધરી ખાતે રહેતાં પ્રફુલ લાભુભાઈ સોલંકી નામનો શખ્સ ધસી આવ્યો હતો અને કપડા ધોતી પરિણીતાની મરજી વિરૂધ્ધ બળજબરીથી શરીર સંબંધ બાંધ્યો હતો અને આ ઘટનાની વાત કોઈને કહેશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. એ દરમિયાન ભોગ બનનાર પરિણીતાનો 15 વર્ષનો સગીર પુત્ર આવી ચડતાં હવશખોર પ્રફુલ સોલંકી નાસી છુટયો હતો.
આ અંગે પરિણીતાએ પડધરી પોલીસ મથકમાં પ્રફુલ સોલંકી વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. જે કેસ ચાર્જશીટ બાદ રાજકોટ સેશન્સની કોર્ટમાં ચાલવા ઉપર આવતાં ફરિયાદી ડોકટર, પોલીસ અને ભોગ બનનાર પરિણીતાના 15 વર્ષના સગીર પુત્રની જુબાની અને સરકારી વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલો અને ટાંકેલા ઉચ્ચ અદાલતના ચુકાદાઓને ધ્યાને લઈ કોર્ટે દુષ્કર્મના ગુનામાં આરોપી પ્રફુલ સોલંકીને આજીવન કેદની સજા ફટકારતો હુકમ કર્યો હતો. આ કેસમાં સરકાર તરફે સરકારી વકીલ મુકેશભાઈ પીપળીયા, મદદનીશ ઉત્સવ પીપળીયા, મિલન સાગઠીયા, નિલમ નાવર અને મુળ ફરિયાદી વતી પ્રકાશભાઈ ત્રિવેદી રોકાયા હતાં.
