બોટાદના ગઢડા તાલુકાના ગ્રામ્ય પંથકમાં એક 15 વર્ષની સગીરા સાથે દુષ્કર્મની હૃદયદ્રાવક ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ભારે રોષ અને ચકચાર જાગી છે. નરાધમ બેચર ધનજીભાઈ જાડાએ સગીરાને ધમકી આપી તેના પર વારંવાર દુષ્કર્મ ગુજાર્યું હતું. આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે સગીરાને અચાનક પેટમાં અસહ્ય દુખાવો થવા લાગ્યો હતો. પરિવારજનો તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જતા તબીબી તપાસમાં સગીરા ગર્ભવતી હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હતો.
ગર્ભવતી હોવાના સમાચાર મળતા જ પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. સગીરાએ હિંમત ભેગી કરી પરિવારને પોતાની સાથે થયેલી આપવીતી જણાવી હતી કે આરોપી બેચરે તેને જાનથી મારી નાખવાની ધમકી આપી મોઢું બંધ રાખવા મજબૂર કરી હતી. આ સાંભળી પરિવારે તાત્કાલિક ગઢડા પોલીસ મથકનો સંપર્ક કર્યો હતો અને નરાધમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
ગઢડા પોલીસે આ મામલે અત્યંત ગંભીરતા દાખવી આરોપી બેચર ધનજીભાઈ જાડા વિરુદ્ધ પોક્સો અને દુષ્કર્મની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. પોલીસે સગીરાના ગર્ભના મહિનાની સચોટ માહિતી મેળવવા માટે તેનું મેડિકલ ચેકઅપ કરાવ્યું છે અને પુરાવા એકત્ર કરવાની પ્રક્રિયા હાથ ધરી છે. હાલમાં પોલીસની અલગ-અલગ ટીમો આરોપીને ઝડપી પાડવા માટે દરોડા પાડી રહી છે. આ ઘટનાને પગલે ગ્રામીણ વિસ્તારોમાં મહિલાઓ અને બાળાઓની સુરક્ષાને લઈને ગંભીર સવાલો ઉઠી રહ્યા છે અને લોકો આરોપીને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી રહ્યા છે.
