ગોંડલમાં નશાકારક પદાર્થોનું દૂષણ ડામવા માટે રાજકોટ ગ્રામ્ય પોલીસ એક્શન મોડમાં આવી છે. ગ્રામ્ય સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) બ્રાંચે ગોંડલમાંથી ગાંજાના મોટા જથ્થા સાથે એક રીઢા ગુનેગારને ઝડપી પાડ્યો છે, જ્યારે આ કેસમાં ગાંજો પૂરો પાડનાર સપ્લાયરને વોન્ટેડ જાહેર કરાયો છે.
રાજકોટ રેન્જ IG નિર્લિપ્ત રાય અને પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ હાલમાં “સે નો ટુ ડ્રગ્સ” મુહિમ ચલાવવામાં આવી રહી છે. આ અભિયાન અંતર્ગત SOG બ્રાંચના PI એફ. એ. પારગી અને તેમની ટીમને બાતમી મળી હતી કે, ગોંડલના ગુંદાળા શેરી, નાની બજાર પાસે રહેતો સદ્દામ અશરફભાઈ તૈલી પોતાના મકાનમાં ગેરકાયદેસર રીતે ગાંજો રાખીને તેનું વેચાણ કરે છે.
ચોક્કસ બાતમી અને આરોપીના ગુનાહિત ઇતિહાસના ટેકનિકલ એનાલિસિસના આધારે, SOG અને ગોંડલ પોલીસે સદ્દામના ઘરે સંયુક્ત દરોડો પાડ્યો હતો. ઘરની તલાશી દરમિયાન પોલીસને પ્લાસ્ટિકની કાળી કોથળીમાંથી વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજો મળી આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળેથી 1.377 કિલો ગાંજો જપ્ત કર્યો છે, જેની કિંમત આશરે 68,850 રૂૂપિયા થાય છે. આ ઉપરાંત 5,000 રૂૂપિયાની કિંમતનો એક મોબાઈલ ફોન મળીને કુલ 73,850 રૂૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
ઝડપાયેલો આરોપી સદ્દામ અશરફભાઈ તૈલી અગાઉ પણ આવા ગુનાઓમાં સંડોવાયેલો છે. તેનો ગુનાહિત ઇતિહાસ તપાસતા સામે આવ્યું છે કે, તેની સામે અગાઉ ગોંડલ ઇ-ડિવિઝન અને રાજકોટ સિટી ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુના નોંધાયેલા છે.
પોલીસ પૂછપરછ દરમિયાન આ નેટવર્કમાં અન્ય એક સંડોવાયેલા શખ્સનું નામ બહાર આવ્યું છે. સદ્દામને આ ગાંજો સપ્લાય કરનાર ઇમરાન હનીફ બકાલી (રહે. ચોરડી દરવાજા, ગોંડલ)ને પોલીસે વોન્ટેડ જાહેર કરીને તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
હાલમાં ગોંડલ અ-ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટની કલમ 8(ઈ), 20(ઇ)(2-ઇ) અને 29 મુજબ ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસની આ સઘન કામગીરીથી ગોંડલ પંથકમાં નશાનો વેપાર કરતા અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
આ સફળ કામગીરી ગોંડલ શહેર અ-ડિવિઝન પોલીસ સ્ટેશનના PI જે. આર. ઝાલા, રૂૂરલ SOG PSI જી. જે. ઝાલા, પી. બી. મિશ્રા, ASI વિપુલ ગુજરાતી, રૂૂપક બોહરા, હેડ કોન્સ્ટેબલ ક્રિપાલસિંહ જાડેજા, વિજય વેગડ, ચંદુ પલાળીયા, કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહ ડોડીયા, વિજયગિરી ગોસ્વામી, રણજીત ધાંધલ, વિપુલ ગોહિલ અને ડ્રાઈવર કોન્સ્ટેબલ નવદિપ બાબરીયા દ્વારા કરવામાં આવી છે.
