જૂનાગઢ રેલવે સ્ટેશન સામેથી 5.9 કિલો ગાંજા સાથે શખ્સ ઝડપાયો

જૂનાગઢમાં નશીલા પદાર્થોની બદી ડામવા માટે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી ખાસ ઝુંબેશ અંતર્ગત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ને મોટી સફળતા મળી છે. પોલીસને બાતમી…

જૂનાગઢમાં નશીલા પદાર્થોની બદી ડામવા માટે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી ખાસ ઝુંબેશ અંતર્ગત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ને મોટી સફળતા મળી છે. પોલીસને બાતમી મળી હતી કે, મૂળ ઉત્તર પ્રદેશના ગાજીપુરનો અને હાલ જૂનાગઢના મધુરમ વિસ્તારમાં રહેતો 21 વર્ષીય શિવમ બિન્દ નામનો યુવક ગાંજાનો જથ્થો લઈને રેલવે સ્ટેશન પાસે આવવાનો છે. આ બાતમીના આધારે પોલીસે રેલવે સ્ટેશન સામે આવેલા સરદાર પટેલ ગેટ પાસે વોચ ગોઠવી હતી અને શંકાસ્પદ હાલતમાં જણાતા શિવમ બિન્દને કોર્ડન કરી ઝડપી લીધો હતો.

પોલીસે આરોપીની તલાશી લેતા તેની પાસે રહેલા ગ્રીન કલરના થેલામાંથી 5.900 કિલોગ્રામ ગાંજો મળી આવ્યો હતો, જેની બજાર કિંમત આશરે 2.95 લાખ રૂૂપિયા થાય છે. ગાંજા ઉપરાંત પોલીસે 10,000 રૂૂપિયાનો મોબાઈલ ફોન અને રોકડ રકમ મળી કુલ 3,05,580 રૂૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મામલે જૂનાગઢ શહેર બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. (NDPS) એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, આ નશીલો પદાર્થ જૂનાગઢના જમાલવાડી વિસ્તારમાં રહેતા સરફરાજ અબુ કુરેશી નામના શખ્સને પહોંચાડવાનો હતો. આ કેસમાં ’સેફુ’ નામના અન્ય એક શખ્સની સંડોવણી પણ સામે આવી છે, જેને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ જથ્થો ઉત્તર પ્રદેશથી જૂનાગઢ સુધી કેવી રીતે પહોંચ્યો અને આ નેટવર્કમાં અન્ય કોણ સામેલ છે. આ ઓપરેશન બાદ પોલીસ દ્વારા યુવાનોને નશાથી દૂર રહી ’ડ્રગ્સ મુક્ત સમાજ’ બનાવવામાં સહયોગ આપવા અપીલ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *