ગાંધીગ્રામના વૃધ્ધાનું વશીકરણ કરી ભુવાની ઓળખ આપી સોનાની બંગડી લૂંટનાર ઝડપાયો

રાજકોટના ગાંધીગ્રામમાં વૃદ્ધાને એડ્રેસ પૂછવાના બહાને રોકી, પોતે ભુવો હોવાનું કહી વિશ્વાસમાં લઈ અને હિપ્નોટાઈઝ કરી સોનાના દાગીના પડાવી લેનાર ગેંગના એક સભ્યને લોકલ ક્રાઇમ…

રાજકોટના ગાંધીગ્રામમાં વૃદ્ધાને એડ્રેસ પૂછવાના બહાને રોકી, પોતે ભુવો હોવાનું કહી વિશ્વાસમાં લઈ અને હિપ્નોટાઈઝ કરી સોનાના દાગીના પડાવી લેનાર ગેંગના એક સભ્યને લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. પોલીસ ટીમે આરોપી પાસેથી રૂૂપિયા 3,00,000ની કિંમતની સોનાની બે બંગડીઓ જપ્ત કરી છે. આ કાર્યવાહી દ્વારા પોલીસે અનડિટેક્ટ રહેલા ગુનાનો ભેદ ઉકેલી અન્ય એક ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી છે.

આ ઘટના અંગે મળતી માહિતી મુજબ, આશરે દોઢ મહિના પહેલા રાજકોટના માધાપર ચોકડીમાં સવારના નવેક વાગ્યે એક આધેડ ઉંમરના મહિલા પસાર થઈ રહ્યા હતા. આ સમયે આરોપીઓએ તેમને મંદિરનો રસ્તો પૂછવાના બહાને ઉભા રાખ્યા હતા.

વાતોમાં પરોવીને એક આરોપીએ પોતે ભુવો હોવાનું જણાવ્યું હતું અને ભોગ બનનાર મહિલાને હિપ્નોટાઈઝ કરી દીધા હતા. ત્યારબાદ મહિલાના બંને હાથમાંથી બે સોનાની બંગડીઓ કઢાવી લીધી હતી અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આ અંગે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. અમદાવાદમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ જ્યારે પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે આ ગુનામાં સંડોવાયેલો આરોપી અમદાવાદમાં છે. બાતમીના આધારે પોલીસે સરખેજમાંથી કરણનાથ નટવરનાથ પઢીયાર (મદારી) નામના 24 વર્ષીય યુવાનને ઝડપી લીધો હતો. પકડાયેલા આરોપી પાસેથી લૂંટાયેલી સોનાની બંગડીઓ મળી આવી છે. જોકે, આ ગુનામાં સંડોવાયેલો અન્ય એક આરોપી મુકેશનાથ નટવરનાથ ચૌહાણ હાલ ફરાર છે, જેને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *