કેશોદના ખમીદાણા ગામમાં ગત 1 જાન્યુઆરીએ થયેલી 10 લાખથી વધુની ઘરફોડ ચોરીના કેસમાં પોલીસે મુખ્ય આરોપીની ધરપકડ કરી છે. પાલીતાણા નિવાસી રણજીત ઉર્ફે રણિયો સોલંકીએ બે અન્ય સાગરિતો સાથે મળીને આ ચોરીને અંજામ આપ્યો હતો.ઘટના મુજબ, ખમીદાણા ગામના વાડી વિસ્તારમાં રહેતા નારણભાઈ સોલંકીનો પરિવાર સોનલધામ મઢડા ખાતે દર્શન માટે ગયો હતો. બપોરે 11 વાગ્યા પછી પરિવાર મંદિરે ગયો અને સાંજે ત્રણ વાગ્યે ઘરે પરત ફર્યો ત્યારે મકાનનું તાળું તૂટેલું જોવા મળ્યું હતું.
ઘરમાં પ્રવેશતાં જ તમામ સામાન વેરવિખેર પડેલો હતો અને કબાટ ખુલ્લી હાલતમાં હતું. ચોરોએ કબાટમાંથી 17 તોલા સોનાના દાગીના અને રોકડ રકમ મળી કુલ રૂૂ. 10 લાખથી વધુની મત્તાની ચોરી કરી હતી.કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ પોલીસે તપાસ શરૂૂ કરી હતી. બી.સી. ઠક્કરના નેતૃત્વમાં પોલીસે મુખ્ય આરોપી રણજીત સોલંકીની ધરપકડ કરી છે. તપાસમાં બહાર આવ્યું છે કે આ ચોરીમાં બીજા બે આરોપીઓ પણ સંડોવાયેલા છે, જેમની ધરપકડ માટે પોલીસે કાર્યવાહી શરૂૂ કરી છે.