મમતાની બગાવત ; મુખ્ય ચૂંટણી કમિશનર સામે મહાભિયોગ

SIRનો વિવાદ ચરમસીમાએ, સુપ્રીમ કોર્ટમાં પડકાર બાદ મહાભિયોગ માટે વિપક્ષોનો સહયોગ માગતા બંગાળના મુખ્યમંત્રી છેલ્લા ઘણા લાંબા સમયથી ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર પર માત્ર કેન્દ્રની…

SIRનો વિવાદ ચરમસીમાએ, સુપ્રીમ કોર્ટમાં પડકાર બાદ મહાભિયોગ માટે વિપક્ષોનો સહયોગ માગતા બંગાળના મુખ્યમંત્રી

છેલ્લા ઘણા લાંબા સમયથી ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર પર માત્ર કેન્દ્રની શાસક એનડીએ સરકારના વાજિંત્ર બનીને પક્ષપાતપુર્ણ રીતે જવાબદારી અદા કરવાનો આરોપ મૂકતા રહેતા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી હવે આકરા પાણીએ છે અને તેમણે દેશના મુખ્ય ચુંટણી કમિશનર જ્ઞાનેશકુમારને પાણીચુ પકડાવવા માટેનો કાનુની તખ્સો તૈયાર કરી દીધો છે.

ભારતીય ન્યાયતંત્રના ઇતિહાસમાં પહેલીવાર સર્વોચ્ચ અદાલતની ખંડપીઠ સમક્ષ કોઇ એક રાજયના મુખ્યમંત્રીએ રૂબરૂ સીધી દલીલો કરી હોય તેવા ઘટનાક્રમમાં મમતાએ મતદાર યાદીની વેરિફીકેશન પ્રક્રિયામાં બંગાળમાં ચુંટણીપંચે દાખવેલી ઘોર બેદરકારી સામે દિલધડક રજુઆતો કરી હતી. ત્યારબાદ આજે મમતાએ મુખ્ય ચુંટણી કમિશનર સામે મહાભિયોગ પ્રસ્તાવ લાવવાની તૈયારી શરૂ કરી દીધી છે. સમગ્ર વિપક્ષ જો એક થશે તો જ્ઞાનેશકુમારની વિદાય નિશ્ચિત થઇ જશે.

મતદાર યાદીમાં વિશેષ સઘન સુધારા (SIR)ના મુદ્દે ઊભો થયેલો વિવાદ હવે મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર સામે મહાભિયોગની દરખાસ્ત સુધી પહોંચ્યો છે. આ મુદ્દે સમગ્ર વિપક્ષ સાથે મળીને નિર્ણય કરશે, એમ કોંગ્રેસના નેતા કે સી વેણુગોપાલે બુધવારે જણાવ્યું હતું.

એક દિવસ પહેલા પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી મુખ્ય ચૂંટણી કમિશન સામે મહાભિયોગ લાવવાની હાકલ કરી હતી. હવે કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીએ તેને સમર્થન આપ્યું છે. જોકે વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ આ મુદ્દે ટીપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. ગઇકાલે મમતા બેનર્જી સુપ્રીમ કોર્ટમાં હાજર થયાં હતાં અને SIR કવાયત સામે દલીલ કરી હતી. ચૂંટણી પંચ સામે પશ્ચિમ બંગાળને ટાર્ગેટ કરવાનો અને તેના નાગરિકો પર બુલડોઝર ચલાવવાનો આક્ષેપ કરતાં મમતાએ જણાવ્યું હતું કે લોકોએ આગળ આવવું જોઈએ. તમારો મત ગુમાવવો એ તમારો અધિકાર ગુમાવવા બરાબર છે. એક પછી એક બધું ગુમાવવામાં વારો આવશે. તમારી નાગરિકતા પર સવાલ ઉઠાવવામાં આવશે.

કોંગ્રેસ-સ.પા.એ વલણ સ્પષ્ટ કર્યું, ટેકો આપવા લગભગ તૈયાર

મમતા બેનર્જીની આ અંગેની માગણી અંગેના સવાલના જવાબમાં વેણુગોપાલે જણાવ્યું હતું કે તૃણમૂલ કોંગ્રેસે આ મુદ્દે કોંગ્રેસનો સંપર્ક કર્યો છે. સમગ્ર વિપક્ષ સાથે મળીને નિર્ણય કરશે. તૃણમૂલે ઉઠાવેલો આ સૌથી મહત્ત્વનો મુદ્દો છે. અમે સકારાત્મક રીતે તેની વિચારણા કરીશું. લોકસભામાં 37 સાંસદો ધરાવતી સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે તૃણમૂલના સુપ્રીમોને ટેકો આપતા જણાવ્યું હતું કે મમતા બેનર્જીએ ભાજપના કાળા કાર્યો સામે કાળો કોટ પહેર્યો છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *