માળિયાહાટીનામાં લઠ્ઠાકાંડ? કેફી પીણું પીધા બાદ બે પરપ્રાંતીયના મોત

એક હોટેલધારક 20 લીટર દેશી દારૂ સાથે પકડાયો, હાર્ટએટેકથી મોત થયાનો પોલીસનો દાવો શ્રમિકોના દારૂ પીવાથી મોત થયાનો અને પોલીસ ઢાંક પિછોડો કરવા પ્રયાસ કરતી…

એક હોટેલધારક 20 લીટર દેશી દારૂ સાથે પકડાયો, હાર્ટએટેકથી મોત થયાનો પોલીસનો દાવો

શ્રમિકોના દારૂ પીવાથી મોત થયાનો અને પોલીસ ઢાંક પિછોડો કરવા પ્રયાસ કરતી હોવાનો ’આપ’નો આક્ષેપ,મહિલા સહિત ચાર હજુ સારવારમાં

માળિયાહાટીના તાલુકાના પાણીધ્રા પાટીયા પાસે કેમિકલ યુક્ત કેફી પીણું પીધા બાદ બે પરપ્રાંતિય વ્યક્તિના મોત થયા હતા જ્યારે અન્ય પાંચ વ્યક્તિની તબિયત લથડતા તેને જૂનાગઢની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં તે હાલ સારવાર હેઠળ છે. એક વ્યક્તિ ડિસ્ચાર્જ થયાનું જાણવા મળ્યું હતું. પોલીસે હોટેલ ચલાવતા એક શખ્સની 20 લિટર દારૂ સાથે ધરપકડ કરી હતી. પોલીસ દ્વારા કોઈનું મોત ન થયાનો દાવો કરવામાં આવ્યો હતો પરંતુ આમ આદમી પાર્ટીના આગેવાને પરપ્રાંતિય શ્રમિકોના દારૂ પીવાથી મોત થયાનો અને પોલીસ ઢાંક પિછોડો કરવા પ્રયાસ કરતી હોવાનો પણ આક્ષેપ કર્યો છે. હાલ આ બનાવથી પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ છે.

પાણીધ્રાના પાટીયા પાસે રહેતા પરપ્રાંતિય શ્રમિકોએ કેમિકલયુક્ત કેફી પીણું પીધા બાદ આંખમાં અંધારા આવવા લાગ્યા હતા તેમજ છાતીમાં દુ:ખાવાની ફરિયાદ બાદ બેભાન થઈ ગયા હતા. સ્થાનિક સુત્રોએ જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રના પરપ્રાંતિય શ્રમિકનું ગઈકાલે સવારે સાડા આઠેક વાગ્યે મોત થયું હતું, તેનો અગ્નિસંસ્કાર પણ કરી નાખવામાં આવ્યો હતો. જ્યારે રાજસ્થાનના એક પરપ્રાંતિય શ્રમિકનું મોત થયું હતું. પરપ્રાંતિય શ્રમિક હરદમ પુલ અને અનુપમ પુલ તેમજ અન્ય એક સ્થાનિક મહિલા સહિત પાંચની તબિયત લથડતા તેઓને કેશોદ બાદ જૂનાગઢની બે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં એક વ્યક્તિની તબિયત સુધારા પર આવી જતા તેને ડિસ્ચાર્જ કરાયો હતો જ્યારે બે વ્યક્તિની હાલત ગંભીર અને બેની હાલત સ્થિર છે.

આમ આદમી પાર્ટીના ઓબીસી સેલના પ્રદેશ પ્રમુખ પિયુષ પરમારે જણાવ્યું હતું કે, કેફીપીણું પીધા બાદ બે શ્રમિકોના મોત થયા છે જ્યારે અન્ય પાંચને અસર થઈ હતી. જેઓને સારવારમાં ખસેડાયા છે. પોલીસ દારૂૂ પીધા બાદ આ ઘટના બની તે સ્વીકારવાને બદલે ઢાંક પીછોડો કરી રહી છે. ગઈકાલે મહારાષ્ટ્રના શ્રમિકનું મોત થયું તેને હોસ્પિટલ પણ લઈ જવામાં આવ્યો ન હતો.

રાજસ્થાનના શ્રમિકનું મોત થયું છે. બંનેના એટેકથી મોત થયાનો દાવો કરવામાં આવે છે પરંતુ કેફીપીણું પીધા બાદ બંનેના એટેકથી મોત થાય એ કેમ બની શકે, તેવો સવાલ કર્યો હતો. આ ઘટના સામે આવ્યા બાદ પોલીસે પાણીધ્રા પાટીયા નજીક હોટલમાં તપાસ કરતા ત્યાંના બાથરૂૂમમાંથી 20 કોથળી દેશી દારૂૂ મળી આવ્યો હતો. પોલીસે હોટલ ચલાવતા રામ વાલીંગ ભોજક (ઉ.વ.39)ને પકડી લઈ તેની સામે ગુનો દાખલ કર્યો હતો. સુત્રોમાંથી જાણવા મળ્યુ હતું કે, દારૂ પીધા બાદ બંન્ને મૃતકોને ડાયાલીશીસ પર રાખવામાં આવ્યા હતા. ત્યારબાદ બંન્નેના ટૂંકાગાળામાં મોત નીપજ્યા હતા. તેમજ પોલીસ સુત્રોમાંથી જાણવા મળ્યુ હતુ કે, હાલ બંન્નેના વિશેરા લેવાયા છે. રીપોર્ટ આવ્યા બાદ હક્કિત જાણવા મળશે.

અગરબત્તી બનાવવાનાં કેમિકલમાં પાણી ભેળવી દારૂૂ તરીકે વેચ્યો હોવાની કબૂલાત મળી: એસપી
ઈન્ચાર્જ એસપી રોહિત ડાગરે જણાવ્યું હતું કે, દારૂૂ સાથે પકડાયેલા રામ ભોજકે પૈસાની લાલચમાં અગરબત્તીમાં ઉપયોગ કરવામાં આવતા કેમિકલમાં પાણી ભેળવી આ લોકોને દારૂૂ તરીકે વેંચ્યું હોવાની કબૂલાત આપી છે.તેની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે.હાલ આ કેફીપીણાના નમૂના લઈ એફએસએલમાં મોકલવામાં આવ્યા છે, તેના રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

આરોપીના સંબંધીનો નફ્ફટાઈ ભર્યું નિવેદન, આપણા માલની લેબોરેટરી કરાવી લેવાની છૂટ!
આ મામલે પકડાયેલા રામ ભોજકનો સંબંધી યુવાન કેટલાક મીડિયા પર્સન સમક્ષ એવું બોલતો જણાયો હતો કે,પોલીસ ખાતું બધું વ્યવસ્થિત ચાલે છે, આપણા માલની લેબોરેટરી કરાવી લેવાની છૂટ છે, 4 કિલોમીટરમાં 20 જગ્યાએ દારૂ મળે છે, અમે કેમિકલ વાળો દારૂ વેંચતા નથી. આ શખ્સના આવા જવાબથી પોલીસની કામગીરી અને ગુજરાતમાં દારૂબંધી અંગે અનેક સવાલો ઉઠી રહ્યા છે. કેફીપીણું પીધા બાદ મહિલા સહિત ચાર વ્યક્તિને જૂનાગઢની બે અલગ-અલગ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ અસરગ્રસ્તોના પરિવારજનો સુધી મીડિયા ન પહોંચે તે માટે બંને હોસ્પિટલ ખાતે પોલીસબંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. જો કોઈ નથી તેથી તેવો દાવો કરવામાં આવે છે તો શા માટે ખાનગી હોસ્પિટલ ખાતે બંદોબસ્ત રાખવામાં આવ્યો ? તે સવાલ થઈ રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *