સાયલામાં વેલનાથ આશ્રમના મહંત પર અજાણ્યા શખ્સ દ્વારા તલવારથી હુમલો

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. સાયલા તાલુકાના સામતપર બોર્ડ પાસે આવેલા પ્રખ્યાત વેલનાથ આશ્રમના મહંત ગૌસ્વામી બળદેવગિરી ઉપર અજાણ્યા કારણોસર તલવાર…

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. સાયલા તાલુકાના સામતપર બોર્ડ પાસે આવેલા પ્રખ્યાત વેલનાથ આશ્રમના મહંત ગૌસ્વામી બળદેવગિરી ઉપર અજાણ્યા કારણોસર તલવાર વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. આ હિંસક હુમલામાં મહંતને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હોવાથી સમગ્ર પંથકના સાધુ-સંતો અને સેવક સમુદાયમાં ભારે આક્રોશ અને અરેરાટી વ્યાપી ગઈ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, વેલનાથ આશ્રમના મહંત બળદેવગિરી સામતપર બોર્ડ નજીક આશ્રમ પાસે હાજર હતા, ત્યારે અચાનક એક શખ્સે તેમના પર તલવાર વડે આડેધડ હિંસક હુમલો કરી દીધો હતો. હુમલાખોર ડોળિયા ગામનો હોવાનું પ્રાથમિક વિગતોમાં સામે આવ્યું છે. લોહીલુહાણ હાલતમાં ઇજાગ્રસ્ત મહંતને તાત્કાલિક 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ મારફતે સાયલાની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જોકે, ત્યાં તેમની તબિયત વધુ લથડતા અને ઊંડા જખમો હોવાને કારણે તેમને વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર અને ત્યારબાદ ત્યાંથી તાત્કાલિક અમદાવાદની હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે.

આ ધૃણાસ્પદ ઘટનાની જાણ વાયુવેગે પ્રસરતા જ વેલનાથ આશ્રમના સેવકો અને શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે એકઠા થઈ ગયા હતા. મહંત પર આ પ્રકારે હુમલો થવાના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જોકે, હુમલાખોરે કયા કારણોસર મહંત પર આટલો ઘાતક હુમલો કર્યો તે લોહિયાળ ખેલ પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી અકબંધ છે.

બનાવની ગંભીરતાને જોતા સાયલા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે તેમજ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. પોલીસે આ મામલે ગુનો નોંધીને આસપાસના લોકોની પૂછપરછ શરૂૂ કરી છે. હુમલાખોર ડોળિયા ગામના શખ્સને ઝડપી પાડવા માટે પોલીસે જુદી જુદી ટીમો બનાવીને ચક્રો ગતિમાન કર્યા છે અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે લોકલ પોલીસ એલર્ટ મોડ પર આવી ગઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *