શહેર ભાજપ પ્રમુખપદ માટે ત્રણ-ત્રણ જૂથો વચ્ચે ચાલતા આખલા યુધ્ધમાં દાવો નહીં કરનાર માધવ દવેને ધરાર પ્રમુખ બનાવી દેવાયા
તમામને સાથે રાખીને ચાલવાની નાની ઉંમરના માધવ દવે ઉપર મોટી જવાબદારી, ભૈલુની ભાષા અને મળતાવડા સ્વભાવ પર મોવડીઓને ભરોસો
રાજકોટ શહેર ભાજપનાં પ્રમુખપદે યુવા કાર્યકર ડો. માધવ દવેની નિમણુક કરવામા આવતા જાણકારોમા સુખદ આશ્ર્ચર્ય ફેલાયૂ છે. સાથોસાથ સરળ સ્વભાવનાં અને નાની ઉંમરનાં માધવ દવે ઉપર મોવડી મંડળે ભાજપનાં તમામ જૂથોને સાથે રાખવાની મોટી જવાબદારી નાખી હોવાનો અભિપ્રાય વ્યકત કરવામા આવી રહયો છે.
ડો. માધવ દવેએ શહેર ભાજપ પ્રમુખપદ માટે દાવેદારી કરી ન હોવા છતા તેને પ્રમુખ પદનો તાજ કઇ રીતે પહેરાવી દેવાયો તે અંગે અનેક ચર્ચાઓએ જોર પકડયુ છે. ભાજપનાં આંતરીક સુત્રોનાં કહેવા મુજબ શહેર પ્રમુખપદ માટે ત્રણ બળીયા જૂથો વચ્ચે દિલ્હી સુધી જબરૂ લોબીંગ કરવામા આવ્યુ હતુ પરિણામે પ્રમુખનુ નામ પસંદ કરવામા મોવડી મંડળ પણ ગોટે ચડયુ હતુ.
અંતે થોડા દિવસ પહેલા મોવડી મંડળ દ્વારા તમામ જૂથોને માન્ય હોય તેવા ત્રણ નામોની પેનલ મંગાવવામા આવી હતી તેમાથી ડો. માધવ દવેનુ નામ ફાઇનલ કરવામા આવ્યુ હોવાનુ કહેવાય છે માધવ દવે હાલ શહેર ભાજપનાં મહામંત્રી છે અને તેણે પ્રમુખપદ માટે દાવો પણ કર્યો ન હતો છતા તેની ઉપર આ જવાબદારી નાખવામા આવી છે . હવે કોર્પોરેશનની આગામી ચુંટણીમા શહેર ભાજપનાં તમામ જુથોને સાથે રાખવાનો સૌથી મોટો પડકાર છે.
શહેર ભાજપ પ્રમુખપદ માટે હાલનાં પ્રમુખ મુકેશ દોશી, કશ્યપ શુકલ, અશ્ર્વીન મોલીયા સહીત 33 આગેવાનોએ દાવેદારી નોંધાવી હતી તમામે એડીચોટીનુ જોર લગાવ્યુ હતુ અને દિલ્હી સુધી લોબીંગ કર્યુ હતુ . આ બધા વચ્ચે માધવ દવેની મોરલી વાગી છે.
ભાજપનાં સુત્રોનાં કહેવા મુજબ મુકેશ દોશીને રીપીટ કરવાનુ લગભગ નકકી હતુ પરંતુ મોટાભાગનાં જૂથોએ તેનો વિરોધ કરતા અન્ય નામોની ચર્ચા થઇ હતી. જો કે , પ્રમુખપદ માટેનાં 33 જેટલા દાવેદારોમાથી ર3 જેટલા નામો ઉપર તો પ્રથમ તબકકે જ ચોકડી મારી દેવાઇ હતી . ત્યારબાદ ભાજપનાં નવા અને જૂના જુથો વચ્ચે લોબીંગ શરૂ થયુ હતુ. જો કે, માધવ દવેની પસંદગીમા પણ ડો. ભરત બોઘરા જૂથ ફાવી ગયાનુ માનવામા આવે છે.