એલઆરડીના જવાનોને પસંદગીનો જિલ્લો ફાળવવામાં આવશે: હર્ષ સંઘવી

ગુજરાત સરકારે પોલીસ વિભાગમાં જોડાયેલા હજારો યુવાનો માટે એક ક્રાંતિકારી અને ઐતિહાસિક નિર્ણય લીધો છે. રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જાહેરાત કરી છે કે LRD…

ગુજરાત સરકારે પોલીસ વિભાગમાં જોડાયેલા હજારો યુવાનો માટે એક ક્રાંતિકારી અને ઐતિહાસિક નિર્ણય લીધો છે. રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જાહેરાત કરી છે કે LRD જવાનોને તેમની પસંદગીનો જિલ્લો ફાળવવામાં આવશે. આ ઐતિહાસિક જાહેરાત સાથે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગાંધીનગર ખાતે 11,607 નવનિયુક્ત લોકરક્ષક દળના જવાનોને નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા.

ગુજરાત પોલીસ દળમાં જોડાવા ઈચ્છતા અને મહેનત કરી રહેલા યુવાનો માટે ખુશીના સમાચાર છે. રાજ્ય સરકાર દ્વારા LRD (લોકરક્ષક દળ) ના જવાનો માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કાર્યક્રમ દરમિયાન જણાવ્યું હતું કે ગુજરાતના ઈતિહાસમાં આ પ્રથમ ઘટના છે જ્યારે LRD માં નિમણૂક પામેલા જવાનોને જિલ્લા પસંદગીનો વિકલ્પ આપવામાં આવશે. અગાઉ આ પ્રથા ન હતી, પરંતુ હવે ઉમેદવારો પોતાની અનુકૂળતા મુજબ જિલ્લો પસંદ કરી શકશે, જે તેમના પરિવાર અને નોકરી વચ્ચે સંતુલન જાળવવામાં મદદરૂૂપ થશે. ગાંધીનગર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે કુલ 11,607 નવનિયુક્ત જવાનોને સત્તાવાર રીતે પોલીસ દળમાં સામેલ કરવામાં આવ્યા હતા અને નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા.

આ લોકરક્ષક કેડરની ભરતી પ્રક્રિયામાં કુલ 11,899 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી હતી. આંકડાકીય વિગતો જોઈએ તો તેમાં 8,782 પુરુષ અને 3,117 મહિલા ઉમેદવારોનો સમાવેશ થાય છે. હાલમાં જે ઉમેદવારોનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન પૂર્ણ થયું છે તેમને ઓર્ડર આપવામાં આવ્યા છે, જ્યારે બાકી રહેલા 292 ઉમેદવારોની ચકાસણી પ્રક્રિયા ચાલુ હોવાથી તેમને ટૂંક સમયમાં નિમણૂક આપવામાં આવશે. આ પ્રસંગે પોલીસ હાઉસિંગ અને જેલ રાજ્યમંત્રી કમલેશ પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *