ગુજરાતના પાંચ જળધોધ ચોમાસામાં સોળે કળાએ ખીલ્યા

લીલીછમ વનરાજી વચ્ચે આહલાદક દ્રશ્યો, પ્રવાસીઓ માટે બેસ્ટ મોનસુન ડેસ્ટીનેશન ડાંગ-સોનગઢ અને ગીરના જંગલો વચ્ચે ચીમેર, ગીરા, ઝરવાણી, જમજીર અને બરડાધોધ નાયગ્રાની યાદ અપાવી દેશે…

લીલીછમ વનરાજી વચ્ચે આહલાદક દ્રશ્યો, પ્રવાસીઓ માટે બેસ્ટ મોનસુન ડેસ્ટીનેશન

ડાંગ-સોનગઢ અને ગીરના જંગલો વચ્ચે ચીમેર, ગીરા, ઝરવાણી, જમજીર અને બરડાધોધ નાયગ્રાની યાદ અપાવી દેશે

ગુજરાતમાં ચોમાસાએ જમાવટ કરી છે અને પ્રથમ રાઉન્ડમાં જ મેઘરાજા મન મૂકીને વરસી પડતા ચો તરફ હરીયાળી છવાઇ ગઇ છે. પ્રકૃતિએ લીલી ઓઢણી ઓઢી હોય તેવા આહલાદક દ્રશ્યો જોવા મળી રહયા છે. આવામા રાજ્યના મુખ્ય પાંચ જળધોધ સોળે કળાએ ખીલી ઉઠયા છે અને પ્રવાસીઓને આકર્ષિ રહ્યા છે.

ગુજરાતના તાપી જિલ્લાના સોનગઢના જંગલમાં આવેલો ચીમેરનો ધોધ, ડાંગ જિલ્લામાં નાયગ્રા ધોધ તરીકે વિખ્યાત ગીરા ધોધ, સ્ટેચ્યુ ઓફ યુનિટીના રસ્તે આવેલો ઝરવાણીનો ધોધ, ગીરના જંગલમાં ઉના નજીક આવેલો જમજીરનો ધોધ તેમજ પંચમહાલના રસ્તે ચનખલ ગામમાં જંગલમાં આવેલ બરડા ધોધ હાલ લીલા છમ જંગલો વચ્ચે સોળે કળાએ ખીલી ઉઠયા છે. પ્રવાસીઓ માટે ચોમાસાની સીઝનમાં આ પાંચેય ધોધ ફરવા અને માણવા જેવા બની રહ્યા છે. ચોમાસામાં આ ધોધ જોવાની અલગ જ મજા છે.

બરડા ધોધ

પંચમહાલ તરફ જતા 10 કિલોમીટર દૂર આવેલો બરડા વોટરફોલ ચોમાસામાં ખુબ સુંદર દેખાય છે. વરસાદના લીધે પાણીનો પ્રવાહ વધી જાય છે. ચનખલ ગામથી બરડા ધોધ માટે ચાલીને જતાં 30 મિનિટનો સમય લાગે છે. ચોમાસામાં અહીં અદભૂત દ્રશ્ય સર્જાય છે.

ગીરા ધોધ

ચોમાસાની ખરી મજા તો ડાંગમાં જ માણી શકાય. અહીં ડાંગના નાયગ્રા ધોધ તરીકે ઓળખાતો ગીરા ધોધ આવેલો છે. આ ધોધ અંદાજે 300 ફૂટ ઊંચાઇથી પડે છે. ગીરા વોટરફોલ ડાંગ જિલ્લાના સાપુતારામાં અંબિકા નદી કિનારે આવેલો છે. આ નદી સાપુતારાની સહ્યાદ્રિ પર્વતમાળામાંથી નીકળે છે. ગીરા ધોધ એ કુદરતી સૌંદર્ય અને લીલાછમ જંગલની વચ્ચે જોવા જેવી જગ્યા છે.

ચીમેર ધોધ

વરસાદી માહોલ વચ્ચે તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના જંગલ વિસ્તારમાં આવેલા ચીમેર ગામનો ધોધ સક્રિય થઈ ગયો છે. આ ધોધ અંદાજે 300 ફૂટની ઊંચાઈથી પડે છે. વરસાદી સિઝનમાં આ ધોધ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની જાય છે. સ્થાનિક અને આસપાસના વિસ્તારોમાંથી લોકો આ નયનરમ્ય દ્રશ્યોનો આનંદ માણવા આવી રહ્યા છે. જેને પડતાં જોવો એક અલગ જ પ્રકારનો લ્હાવો છે. જુઓ તસવીર

જમજીરનો ધોધ

ગીરના જંગલે ભારે ધોધમાર વરસાદ બાદ જાણે લીલી ચાદર ઓઢી હોય એવું દૃશ્ય સર્જાય છે. બીજી તરફ ગીરમાંથી પસાર થતી શિંગોડા નદી જે ગીર ગઢડાના જામવાળાથી પસાર થાય છે. ત્યારે અહીં જમજીરનો ધોધ સક્રિય થાય છે. આ ધોધ 40 ફૂટની ઊચાઇથી પડે છે. ચોમાસા દરમિયાન સોળે કળાએ ખીલી ઊઠ્યો છે. આ ધોધ ઉનાથી 45 કિલોમીટરના અંતરે આવેલો છે.

ઝરવાણી ધોધ

સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત વખતે ચોમાસામાં પ્રવાસીઓએ ઝરવાણી ધોધની મુલાકાત ચોક્કસ લેવી જોઈએ. ઝરવાણીનો ધોધ અમદાવાદથી 200 કિલોમીટરના અંતરે આવેલો છે. આ ધોધ શુલપાનેશ્વર વન્યજીવ અભયારણ્યની અંદર આવેલો છે. આ ધોધ અંદાજે 40 ફૂટ ઊંચાઈથી પડે છે. આ ધોધ સુધી પહોંચવા માટે ધોધના પાણીમાંથી પસાર થઇને ત્યાં સુધી પહોંચવું પ્રવાસીઓને આહલાદક અહેસાસ કરાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *