ન્યારાના પાટિયા પાસે પ્રેમીપંખીડાનો ઝેરી દવા પી આપઘાત

અમરેલીના માછીયાળાનો યુવાનને ઘરેથી વાડીએ જવાનું કહી નીકળ્યા બાદ રાજકોટમાં સાવરકુંડલા પંથકની આદિવાસી પરિણીતા સાથે ઝેરના પારખા કર્યા ઝેરી દવા પીધા બાદ ભાઈને ફોન કરી…

અમરેલીના માછીયાળાનો યુવાનને ઘરેથી વાડીએ જવાનું કહી નીકળ્યા બાદ રાજકોટમાં સાવરકુંડલા પંથકની આદિવાસી પરિણીતા સાથે ઝેરના પારખા કર્યા

ઝેરી દવા પીધા બાદ ભાઈને ફોન કરી કહ્યું ‘મેં પડધરી રોડ પર ટીકડા ખાઈ લીધા છે, તમે નહીં પહોંચો’

શહેરની ભાગોળે જામનગર રોડ પર આવેલા ન્યારાના પાટીયા નજીક વાડીમાં પ્રેમી પંખીડાએ સજોડે ઝેરી દવા પી આપઘાત કરી લેતાં ચકચાર મચી જવા પામી છે. અમરેલીના માછીયાળા ગામના યુવાને સાવરકુંડલા પંથકની પરિણીતા સાથે ઝેરના પારખા કર્યા હતાં. બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. યુવકનું ઘટના સ્થળે મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે પરિણીતાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાતાં ત્યાં તેનું પણ મોત નિપજતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

જાણવા મળતી વિગત મુજબ, જામનગર રોડ પર ન્યારાના પાટીયા નજીક અંજલી ફાર્મ પાસે વાડીમાં આજે સવારે યુવક અને પરિણીતાએ ઝેરી દવા પી લીધી હોવાનું જાણવા મળતાં સ્થાનિક લોકોએ પડધરી પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસ અને 108નો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. 108નાં ઈએમટીએ યુવકને ઘટના સ્થળે મરણ ગયાનું જાહેર કર્યુ હતું. જ્યારે પરિણીતાને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પરંતુ અહિં તેનું મોત નિપજ્યુ હતું.

પ્રાથમિક તપાસમાં મૃતક યુવાન અમરેલીના માછીયાળા ગામે રહેતો વિનોદ બાબુભાઈ જાવીયા (ઉ.37) હોવાનું અને પરિણીતા સાવરકુંડલા પંથકમાં વાડીમાં ભાગ્યુ રાખી રહેતી હોવાનું જાણવા મળ્યું હતું. વધુ તપાસમાં મૃતક વિનોદ બે ભાઈમાં નાનો અને અપરિણીત હતો તે ખેતી કામ કરતો હતો. ગઈકાલે રાત્રે ઘરેથી જમીને વાડીએ જવાનું કહી નીકળ્યો હતો. બાદમાં તેની પ્રેમિકા સાથે બાઈક પર બન્ને રાજકોટ ન્યારાના પાટીયા પાસે વાડીમાં આવ્યા હતાં. જ્યાં તેમણે સજોડે ઝેરી દવા પી લીધી હતી. ઝેરી દવા પીધા બાદ વિનોદે તેના ભાઈને ફોન કરી ‘મે પડધરી રોડ પર ટીકડા ખાઈ લીધા છે, તમે નહીં પહોંચો’ તેમ જણાવતાં પરિવારજનો પણ રાજકોટ દોડી આવ્યા હતાં.

વિનોદને સાવરકુંડલા પંથકમાં રહેતી અજાણી સ્ત્રી (ઉ.40) સાથે પ્રેમ સંબંધ હોવાનું જાણવા મળ્યું છે. આ મહિલા અગાઉ વિનોદની વાડીમાં ખેતી કામ કરતી હતી ત્યારે બન્ને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. હાલમાં આ મહિલા સાવરકુંડલા પંથકમાં ભાગ્યુ રાખી તેના પતિ અને ત્રણ સંતાનો સાથે રહેતી હતી. આ અંગે પડધરી પોલીસે બન્નેના મૃતદેહને પીએમમાં ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *