રાજકોટના બજરંગવાડી સર્કલ પાસે આવેલા પવન કોમ્પ્લેક્સ નજીક રહેતા 26 વર્ષીય નેપાળી યુવાન યુવરાજ કેતનભાઇ થાપાએ આજીડેમ નજીક તળાવ પાસેના પુલ પર ઝેરી દવા પી લેતા ચકચાર મચી ગઈ છે.
ઘટનાની જાણ થતાં જ લોહીલુહાણ હાલતમાં યુવરાજને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. રોજ મજૂરી કરી કડીયા કામ કરતા આ શ્રમિક યુવકના આત્મહત્યાના આ પ્રયાસ પાછળ સોશિયલ મીડિયા પર થયેલી એક પ્રેમજાળ જવાબદાર હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, યુવરાજને થોડા સમય પહેલા ઇન્સ્ટાગ્રામ પર શ્રદ્ધા નામની યુવતી સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. આ પ્રેમ સંબંધ દરમિયાન યુવતીએ યુવરાજને પોતાની માયાજાળમાં ફસાવીને છેલ્લા સાતેક મહિનામાં તેની પાસેથી કટકે-કટકે આશરે ત્રણ લાખ રૂૂપિયા જેટલી મોટી રકમ પડાવી લીધી હતી. મહેનત મજૂરી કરીને કમાયેલા પૈસા પડાવી લીધા બાદ પણ શ્રદ્ધાની લાલચ સંતોષાઈ નહોતી અને તેણે યુવરાજ સાથે છેડો ફાડી નાખ્યો હતો.
એટલું જ નહીં, શ્રદ્ધાએ ’તું ખોટા ધંધા કરે છે અને હવે તારી સાથે કોઈ સંબંધ રાખવો નથી’ તેમ કહીને યુવરાજને સમાજમાં બદનામ કરવાનું શરૂૂ કર્યું હતું. આ આર્થિક છેતરપિંડી અને માનસિક ત્રાસ સહન ન થતાં આખરે યુવરાજે આજીડેમ પાસે જઈ મોટું પગલું ભરી લીધું હતું. હાલ આ સમગ્ર મામલે હોસ્પિટલ ચોકી દ્વારા સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી છે અને પોલીસે યુવતી સામે કાયદેસરની તપાસ હાથ ધરી છે.
