ખેરાણાના યુવકને નજીકના ગામની સગીરા સાથે છેલ્લા એક વર્ષથી પ્રેમ પાંગર્યો‘તો; પ્રેમિકાને રાત્રીના ગાડીમાં બેસાડી લઈ ગયા બાદ પગલુ ભર્યુ
ચોટીલા પંથકમાં આવેલા ખેરાણા ગામે રહેતાં યુવકને એકાદ વર્ષ પહેલા નજીકના ગામમાં રહેતી સગીરા સાથે આંખ મળી જતાં બન્ને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. ગઈકાલે રાત્રે યુવાન સગીરાને તેના ગામમાંથી બાઈક પર બેસાડી ખેરાણા ગામના ફોરેસ્ટના જંગલમાં લઈ ગયો હતો. જ્યાં બન્નેએ સજોડે ઝેરી દવા પી લીધી હતી. સજોડે આપઘાતનો પ્રયાસ કરનાર પ્રેમી પંખીડાને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, ચોટીલા તાલુકાના ખેરાણા ગામે રહેતો સાગર લક્ષ્મણભાઈ મેટાળીયા (ઉ.20) અને તેના નજીકના ગામની 17 વર્ષની સગીરાએ ખેરાણા ગામ નજીક આવેલા ફોરેસ્ટના જંગલમાં સજોડે ઝેરી દવા પી લીધી હતી. યુવક અને સગીરાને ઝેરી અસર થતાં તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતાં. આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે ચોટીલા પોલીસને જાણ કરતાં ચોટીલા પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો.
પ્રાથમિક પુછપરછમાં સાગર મેટાળીયા બે ભાઈ ત્રણ બહેનમાં નાનો છે. સાગર મેટાળીયા એકાદ વર્ષ પહેલા નજીક 8 થી 10 કિ.મી.ના અંતરે આવેલા ગામના નવરાત્રિમાં ગરબી જોવા જતો હતો ત્યારે સગીરા સાથે આંખ મળી જતાં બન્ને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. ગઈકાલે સાગર મેટાળીયાનો પરિવાર વિંછીયા ખાતે લૌકીકે ગયો હતો ત્યારે સાગર મેટાળીયા રાત્રીના સમયે સાગર સગીરાના ગામમાં બાઈક લઈને પહોંચ્યો હતો.
જ્યાંથી સગીર પ્રેમિકાને બાઈકમાં બેસાડી ફોરેસ્ટના જંગલમાં બન્ને ગયા હતાં. જ્યાં બન્નેએ કોઈ અકળકારણોસર સજોડે ઝેરી દવા પી લીધી હતી. બાદમાં સાગર મેટાળીયાએ કાકા વિભાભાઈને ફોન કરી દવા પી લીધી હોવાનું જાણ કરી હતી. જાણ થતાં પરિવાર દ્વારા બન્નેને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં. આ બનાવ અંગે ચોટીલા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
