ભગવાન મહાવીરને બનાવી દીધા બુધ્ધ, ભાજપના નેતાઓનો ભાંગરો

સોશિયલ મીડિયામાં ભગવાન મહાવીરના બદલે ભગવાન બુધ્ધના ફોટા મૂકી શુભેચ્છાઓનો ધોધ વરસાવ્યો, ખબર પડતાં પોસ્ટ ધડાધડ ડિલિટ દેશભરમાં આજે (10 એપ્રિલ)ના રોજ મહાવીર જયંતીની ઉજવણી…

સોશિયલ મીડિયામાં ભગવાન મહાવીરના બદલે ભગવાન બુધ્ધના ફોટા મૂકી શુભેચ્છાઓનો ધોધ વરસાવ્યો, ખબર પડતાં પોસ્ટ ધડાધડ ડિલિટ

દેશભરમાં આજે (10 એપ્રિલ)ના રોજ મહાવીર જયંતીની ઉજવણી થઇ રહી છે. દેશભરના નેતાઓ અને હસ્તીઓ સોશિયલ મીડીયા એકસ પર મહાવીર જયંતીની શુભેચ્છા પાઠવી રહ્યા છે. ત્યારે ગૃહ મંત્રી હર્ષ સંઘવી, શિક્ષણ મંત્રી પ્રફૂલ પાનસેરિયા સહિત ભાજપના અનેક નેતાઓએ ભગવાન મહાવીરના બદલે ભગવાન બુદ્ધનો ફોટો મૂકીને શુભેચ્છા પાઠવીને ભાંગરો વાટ્યો હતો.

સોશિયલ મીડિયામાં આ પોસ્ટ વાઈરલ થઈ જતા જૈન સમાજમાં ચર્ચા જાગી હતી. જો કે, આ ભાંગરો વાટ્યાનું ખબર પડતા કેટલાક નેતાઓએ ભગવાન મહાવીરનો ફોટો મૂકીને ભૂલ સુધારી લીધી હતી.

મહાવીર જયંતી નિમિત્તે સોશિયલ મીડીયા એકસ પર બુદ્ધનો ફોટો મૂકીને શુભેચ્છા આપનારાની યાદી બહુ લાંબી છે. આ ભૂલ કરનારામાં જીતુ વાઘાણી, ભાવનગરના સાંસદ નીમુબેન બાભણિયા, અંકલેશ્વરના ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલ, મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ, ધોળકાના ધારાસભ્ય કીર્તિસિંહ ડાભી, ખેરાલુના ધારાસભ્ય સરદારભાઇ ચૌધરી, ઉંઝાના ધારાસભ્ય કિર્તી પટેલ, જામનગર દક્ષિણના ધારાસભ્ય દિવ્યેશ અકબરી, છોટાઉદેપુરના સાંસદ જશુભાઇ રાઠવા વગેરેનો સમાવેશ થાય છે. આ સિવાય મ્યુનિસિપલ કાઉન્સિલર હસમુખ પટેલ (સૈજપુર-બોઘા), ભાજપ સીએ સેલના સભ્ય નરેશ કેલ્લા, સુરત ભાજપના જનરલ સેક્રેટરી કિશોર બિન્દલ સહિતના ભાજપના સ્થાનિક આગેવાનોએ ગાડરિયા પ્રવાહની જેમ ખોટા ફોટો સાથે પોસ્ટ મૂકીને મહાવીર જયંતીની શુભેચ્છાઓ પાઠવી હતી.

જો કે, હર્ષ સંઘવીએ સોશિયલ મીડીયા એકસ પર પોસ્ટ કર્યા બાદ થોડી વારમાં જ ભૂલ સુધારી દીધી હતી અને જૂનું ટ્વિટ ડીલિટ કરીને મહાવીરના ફોટા સાથે નવું ટ્વિટ કર્યું હતું. મળતી માહિતી મુજબ ભાજપના નેતાઓના સોશિયલ મીડીયા હેન્ડલ કરતી ટીમે આ ભાંગો વાટયો હતો પરંતુ તેજ કારણે નેતાઓ ભોંઠા પડયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *