જામનગરમાં વસતા સિંધી સમાજના ઇષ્ટદેવ ભગવાન શ્રી ઝુલેલાલજીના પરમ પવિત્ર અને આસ્થાના પ્રતીક સમાન ‘ચાલીહા વ્રત-અનુષ્ઠાન મહોત્સવ’ નો ગઈકાલે તારીખ 16 જુલાઈ 2026ના રોજ અત્યંત ભક્તિભાવ અને ઉત્સાહપૂર્ણ માહોલમાં મંગલ પ્રારંભ થયો છે. આગામી 25 ઓગસ્ટ સુધી ચાલનારા આ 40 દિવસીય કઠોર અનુષ્ઠાનને લઈને સમગ્ર જામનગરના સિંધી સમાજમાં ભારે હર્ષોલ્લાસ વ્યાપી ગયો છે. મહોત્સવના પ્રારંભે સિંધી સમાજના ધર્મગુરુ પરમ પૂજનીય સંત શ્રી શહેરાવાળા સાંઈજી ના સાનિધ્ય માં શોભાયાત્રા – સત્સંગ – ભજન – ભંડારપ્રસાદ સાથે નું દિવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
ગઈકાલે સાંજે નાનકપુરી ના સંત કંવરરામ મંદિર ખાતેથી શોભાયાત્રા નીકળી પવનચક્કી સર્કલ પાસે આવેલી વેજુમા હાલારી ભાનુશાલી સમાજની વાડી ખાતે પહોંચી હતી. શોભાયાત્રા દરમિયાન શ્રદ્ધાળુઓ ભગવાન ઝુલેલાલના ભક્તિરંગમાં રંગાયેલા જોવા મળ્યા હતા. ત્યારબાદ પૂજ્ય ભહેરાણા સાહેબ પૂજન, તેમજ ધર્મગુરુ પરમ પુજનીય સંત શ્રી શહેરાવાલે સાંઈજી ના મુખારવિંદે સત્સંગ તેમજ આશિર્વચન કરવામાં આવ્યું હતું.અને ચાલિહા સાહેબ ના વ્રતધારી અનુષ્ઠાયીઓ ને વ્રત ની મટકી અને તેમના સંકલ્પ લેવડાવવામાં આવ્યા હતા આ સાથે જ સિંધી મ્યુઝિકલ ભજન નો કાર્યક્રમ યોજાયો હતો જેમાં રસમધુર ભજનોએ સમગ્ર વાતાવરણને આધ્યાત્મિકતાથી ભરી દીધું હતું. કાર્યક્રમના અંતે ભંડારા પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો હજારો જ્ઞાતિજનોએ લાભ લીધો હતો.
આગામી 40 દિવસ સુધી ચાલનારા આ પરંપરાગત તપસ્યા આધ્યાત્મિકતા ના મહોત્સવ માં વ્રતધારકો અને અનુષ્ઠાયીઓ કઠિન વ્રત-નિયમો પાળીને ભક્તિભાવ સાથે આરાધના અને તપસ્યા કરશે. ત્યારબાદ 41મા દિવસે પરંપરાગત રીત-રિવાજ મુજબ વિધિવત આ વ્રતની પૂર્ણાહુતિ કરવામાં આવશે. આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે એસ.એસ.ડબલ્યુ સાંઈ પરિવાર જામનગર અને સંત કંવરરામ મંદિર ચાલિહા સાહેબ સેવા સમિતિ દ્વારા ભારે જહેમત ઉઠવામાં આવી હતી.
ચાલીહા સાહેબ વ્રત શા માટે રાખવામાં આવે છે?
હાલ પાકિસ્તાનમાં આવેલા સિંધ પ્રાંતમાં હજારો વર્ષ પૂર્વે હિંદુ ધર્મ પર આફત ની ઘડી આવી હતી જેમાં ત્યારના મુસ્લીમ શાસક મિરખશાહ દ્વારા અત્યાચાર આચરી બળજબરી થી ધર્મ પરિવર્તન કરાવી હિંદુ માંથી મુસ્લિમ બનવા દબાણો કરવામાં આવતા જેના થી રક્ષણ કરવા બચવા માટે સિંધી સમુદાય દ્વારા સિંધુ નદીના કિનારે 40 દિવસ પૂજા અર્ચના ઉપવાસ કરી ભગવાન ને રીઝવ્યા હતા અને કઠોર સાધના ને સ્વીકારી ભગવાન સ્વયં દર્શન આપ્યા હતા આ દરમિયાન ભગવાન ઝૂલેલાલનો અવતાર થશે અને ધર્મ પર આવેલ આપત્તિ અને સિંધી સમાજને અત્યાચારો માંથી મુક્તિ અપાવશે તેવી આકાશવાણી થઈ હતી. જે બાદ વિષ્ણુ અવતારી વરૂણદેવ જળદેવતા ભગવાન શ્રી ઝૂલેલાલ જી નો ધરતી પર અવતાર થયો હતો જે બાદ ધર્મ ની રક્ષા કાજે લીલા રચી પરત જલ અને જ્યોતિ ના સંગમ માં અંતરધ્યાન થયા હતા તે દોર થી આજ દિન સુધી પાકિસ્તાન સિંધ અને ભારતભરમાં સિંધી સમાજ દ્વારા ઇષ્ટદેવ ભગવાન ઝૂલેલાલની આ લીલા ના સાક્ષી બન્યા હતા તે યાદમાં આ ચાલીહા મનાવવામાં આવે છે.
