વ્યાજખોરોએ બંદૂકના નાળચે યુવકના ફલેટનું સાટાખત લખાવી લીધું

ત્રણ લાખની સામે 20 ટકા વ્યાજની વસુલાત કરવા વ્યાજખોરના સાગરીતોએ યુવાનનું અપહરણ કરી 11 કલાક ગોંધી બેફામ માર માર્યો વ્યાજખોર પિતા-પુત્ર સહિત સાત શખ્સો સામે…

ત્રણ લાખની સામે 20 ટકા વ્યાજની વસુલાત કરવા વ્યાજખોરના સાગરીતોએ યુવાનનું અપહરણ કરી 11 કલાક ગોંધી બેફામ માર માર્યો

વ્યાજખોર પિતા-પુત્ર સહિત સાત શખ્સો સામે પોલીસમાં નોંધાતો ગુનો

રાજકોટ શહેરમાં વ્યાજખોરો બેફામ બન્યા છે. સહકાર મેઇન રોડ પરથી યુવકને વ્યાજખોરોએ પઠાણી ઉઘરાણી કરી અપહરણ કરી મવડીના બાપાસીતારામ ચોક નજીક ગેરેજમાં લઇ જઇ 11 કલાક સુધી ગોંધી રાખી 3 લાખની સામે 20 ટકા સુધીના વ્યાજની વસુલાત કરવા યુવકના લમણે બંદૂક રાખી નાગેશ્ર્વર પાસે આવેલા ફલેટનું બળજબરી પૂર્વક સાટાખત લખાવી લેતા પોલીસમાં વ્યાજખોર પિતા-પુત્ર સહિત સાત શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

વધુ વિગતો મુજબ બેડી ચોકડી પાસે આરાધના એપાર્ટમેન્ટમાં રહેતા ધર્મેશ પ્રકાશભાઇ સીધપુરાએ પોતાની ફરિયાદમા વ્યાજખોર પ્રશાંતભાઇ શૈલેષભાઇ તરાવીયા, શૈલેષભાઇ તરાવીયા, કરણ પેથાણી, યશ લીંબાશીયા, સાહિલ ગાજીપરા, પ્રભાત આહીર અને યશ ખૂંટ સામે અપહરણ, મારામારી વ્યાજખોરી, ધમકી અને બળજબરીથી પડાવી લેવા અંગેની કલમ હેઠળ રાજકોટ તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે.

ફરિયાદી ધર્મેશભાઇએ આક્ષેપો સાથે ફરિયાદમાં જણાવ્યુ હતુ કે, તેઓ મજૂરી કામ કરે છે અને અગાઉ સ્પીડવેલ ચોક પાસે રહેતા હતા ત્યારે બાપાસીતારામ ચોક પાસે ગેરેજ ચલાવતા પ્રશાંત શૈલેષભાઇ તરાવીયા સાથે મિત્રતા થઇ હતી. ત્યારબાદ ધર્મેશભાઇને પૈસાની જરૂરીયાત ઉભી થતા તેઓએ પ્રશાંતભાઇ પાસેથી ત્રણ લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. સૌ પ્રથમ પ્રશાંતભાઇએ રૂપિયા 2.40 લાખ આપ્યા હતા. જેના બદલામાં ફરિયાદીએ કાર અને એક ચેક ગીરવે આપ્યા હતા અને 2.40 લાખની સામે આરોપીએ 15 હજાર કાપી લીધા હોવાનુ અને બાકીના 60 હજાર સગવડ થાય ત્યારે આપવાનુ કહ્યુ હતું. આમ છતા પ્રશાંતે 60 હજાર ન આપી ઉઘરાણી શરૂ કરી હતી. આ સમયે તેમણે પ%ની બદલે 20% લેખે ત્રણ લાખ આપ્યાનું કહેતા ધર્મેશભાઇએ આટલુ વ્યાજ નહીં ભરી શકે તેમ જણાવ્યુ હતું. આ છતા આરોપી પ્રશાંતે પઠાણી ઉઘરાણી ચાલુ રાખી હતી.

ત્યારબાદ ગત તા.6/12ના રોજ ફરિયાદી ધર્મેશભાઇ સહકાર મેઇન રોડ પર આવેલા પોતાના ઘરેથી શાપરમાં તેમની પત્નીને લેવા માટે ઘર બહાર નીકળ્યા ત્યારે ત્યા અગાઉથી જ ઉભેલા પ્રશાંતના ગેરેજ કામ કરતા યશ લીંબાશીયા અને કરણ પેથાણીએ કહ્યુ કે, તેમને પ્રશાંતના પિતા શૈલેષભાઇ ગેરેજ બોલાવે છે. પૈસા બાબતે વાત કરવી છે તેમ કહી બંને ધર્મેશને ગાડીમાં બેસાડી ગેરેજમાં લઇ ગયા જયા પ્રશાંત અને તેના પિતા શૈલેષે આવી પૈસા ઉઘરાણી કરી હતી જેથી ધર્મેશે હાલ પૈસા નથી બે મહિના પછી પૈસા આપી દઇશ તેમ જણાવ્યુ હતું આમ છતા પ્રશાંત અને તેમના પિતાએ પૈસા અત્યારેજ આપવા પાડશે તેમ કહી પઠાણી ઉઘરાણી કરી હતી. પૈસા ન હોય તો સાટાખત કરી આપવુ પડશે તેમ કહ્યુ હતું. ત્યારબાદ ગેરેજમાં કરતા યશ લીંબાશીયાએ ઢીકા પાટુનો માર માર્યો હતો. આરોપી પિતા-પુત્રએ પરાણે ધાક ધમકીથી બાઇકમાં બેસાડી મવડી ચોકડી ખાતે વકીલની ઓફિસે લઇ જઇ બળજબરી પૂર્વક જામનગર રોડ પર આવેલ ફલેટનું સાટાખત કરાવી લીધું હતું.

ત્યારબાદ અલગ અલગ સમયે પ્રશાંતના મિત્ર સાહીલ ગાજીપરા અને પ્રભાત આહીરએ કારમાં આવી બેફામ મારમાર્યો હતો અને ત્યારબાદ અન્ય કારમાં આવેલા યશ ખૂંટે ધર્મેશના લમણે બંદૂક રાખી કહ્યુ કે, તુ બીજા બધાને ભૂલી જજે તારે હવે રૂપિયા મને આપવાના તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અને ત્યારબાદ આ લોકોને આજીજી કરતા અંતે 11 કલાક બાદ તેઓએ ધર્મેશને જવા દીધો હતો. આ મામલે હાલ તાલુકા પોલીસના પીઆઇ હરીપરાની રાહબરીમાં પીએસઆઇ કારેણા તપાસ ચલાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *