રાજકોટમાં કોર્પોરેશન, નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી શાંતિપૂર્ણ થાય તે માટે વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર એલર્ટ થયું છે. વહીવટી તંત્ર દ્વારા મતદાન મથકોની સમીક્ષા કરવામાં આવી રહી છે. 15 એપ્રિલ પછી સંવેદનશીલ અને અતિસંવેદનશીલ મતદાન મથકોની યાદી જાહેર કરાશે.
રાજકોટ મહાનગરપાલિકાની 18 વોર્ડની કુલ 72 બેઠકો માટે આગામી 26 એપ્રિલના રોજ ચૂંટણી યોજાવા જઈ રહી છે. ચૂંટણીની તારીખ નજીક આવતા જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ શરૂૂ થઈ ગયો છે. ઉમેદવારી ફોર્મ ભરવા માટે આવતીકાલે અંતિમ દિવસ હોવાથી આજે રાજકીય પક્ષોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આજરોજ રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ તરફથી 44 જેટલા ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્રો રજૂ કર્યા હતા. અત્યાર સુધીમાં અલગ અલગ 60 જેટલા ફોર્મો જમા થયા છે. જેમાં અપક્ષ સહિતના ઉમેદવારોએ ફોર્મ જમા કરાવ્યા છે.
રાજકોટ જિલ્લા કલેક્ટર ડો. ઓમપ્રકાશે ચૂંટણીની તૈયારીઓ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, આગામી રાજકોટ મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓમાં વેબકાસ્ટિંગ થાય તેવી શક્યતાઓ ઘણી ઓછી છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, મતદાન મથકોની સમીક્ષા ચાલી રહી છે અને આગામી 15 એપ્રિલ બાદ સંવેદનશીલ તથા અતિસંવેદનશીલ કેન્દ્રોની અંતિમ યાદી જાહેર કરવામાં આવશે.જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય તે માટે વ્યાપક મતદાન જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવશે. આ કાર્યક્રમ રાજકોટ શહેર ઉપરાંત જિલ્લાના તમામ 11 તાલુકાઓમાં યોજાશે.
ગ્રામ્ય સભાઓના માધ્યમથી મતદારોને ઊટખ મશીનનો વપરાશ, મતદાન મથકોની સચોટ માહિતી અને મતદાનના મહત્વ વિશે માહિતગાર કરવામાં આવશે. શહેરમાં વોલ પેન્ટિંગ, પોસ્ટર, બેનર તેમજ ડિજિટલ મીડિયાના માધ્યમથી મતદાન પ્રત્યે જાગૃતિ લાવવા માટે વિશેષ અભિયાન ચલાવવામાં આવશે. ચૂંટણીને સંપૂર્ણપણે નિષ્પક્ષ, શાંતિપૂર્ણ અને મુક્ત વાતાવરણમાં સંપન્ન કરવા માટે વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ સતર્ક બની ગયું છે. રાજકોટ જિલ્લામાં 300થી વધુ મથકોને સંવેદનશીલ અને 60થી વધુ મથકોને અતિસંવેદનશીલ જાહેર કરવામાં આવે તેવી પ્રબળ સંભાવના છે.
