કુવાડવા જીઆઈડીસીમાંથી 75 લાખનો દારૂ ઝડપાયો, કટિંગ સમયે જ એસ.એમ.સી.નો દરોડો

રાજકોટમાં છેલ્લા કેટલાક સમયથી આવી રહેલો દારૂનો મોટો જથ્થો સતત ઝડપાઈ રહ્યો છે તેમ છતાં બુટલેગરો અવિરત દારૂ મંગાવી રહ્યાં છે બે દિવસ પહેલા દારૂનો…

રાજકોટમાં છેલ્લા કેટલાક સમયથી આવી રહેલો દારૂનો મોટો જથ્થો સતત ઝડપાઈ રહ્યો છે તેમ છતાં બુટલેગરો અવિરત દારૂ મંગાવી રહ્યાં છે બે દિવસ પહેલા દારૂનો મોટો જથ્થો ઝડપાયા બાદ આજે બપોરે રાજકોટ ભાગોળે અમદાવાદ હાઈવે ઉપર આવેલ કુવાડવા જીઆઈડીસીમાંથી અંદાજે રૂા.75 લાખની કિંમતનો 500 પેટી વિદેશી બનાવટનો દારૂ સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે. આ દારૂ મંગાવનાર રાજકોટના નામચીન બુટલેગર સહિત પાંચ શખ્સો નાસી છુટવામાં સફળ રહ્યાનું જાણવા મળેલ છે.

મળતી માહિતી મુજબ, કુવાડવા જીઆઈડીસીમાં આજે દારૂનું ક્ધટેનર ઉતરી રહ્યાના બાતમીના આધારે એસ.એમ.સી.ની ટીમ ત્રાટકી હતી અને કટીંગ થઈ રહેલો 500 પેટી દારૂ ઝડપી લીધો હતો. પોલીસના દરોડાથી હાજર શખ્સો નાસી છુટયા હતાં. આ લખાઈ છે ત્યારે બપોરે 3.30 કલાકે એસ.એમ.સી. દ્વારા દારૂની ગણતરી ચાલી રહી છે અને કુવાડવા પોલીસને સોંપવાની તૈયારી થઈ રહી છે.

પોલીસના કહેવા મુજબ ક્ધટેનરમાં ચોર ખાનુ બનાવીને દારૂ છુપાવવામાં આવ્યો હતો અને બોર્ડર ક્રોસ કરી ઠેક રાજકોટ સુધી પહોંચાડી દેવામાં બુટલેગરો સફળ થયા હતાં. આજે બપોરે દારૂનું કટીંગ ચાલી રહ્યું હતુ તે સમયે જ રેડ કરવામાં આવતાં નાસીભાગ મચી ગઈ હતી. જો કે વધુ એક વખત સ્થાનિક પોલીસને અંધારામાં રાખી એસ.એમ.સી.એ દારૂનો આટલો મોટો જથ્થો ઝડપી લેતાં સ્થાનિક પોલીસ સામે સવાલો ઉઠયા છે. આગામી દિવસોમાં જવાબદાર પોલીસ અધિકારીઓ પર તવાઈ ઉતરે તેવી શકયતા દર્શાવવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *